બારડોલીના મોતા ગ્રા.પંચાયતે ભાથ ભીડી GETCO કંપની સામે
કહ્યું: 'ગામના કામો થશે તો જ GETCOની કામગીરીને મંજૂરી'

બારડોલીના મોતા ગામે GETCOની કામગીરીને લઈને ગ્રામપંચાયત દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય ત્યાર બાદ જ કામગીરીની પરવાનગી આપવા બાબતે કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે. જો કે GETCOએ ગ્રામ પંચાયતની પરવાનગી મળે તે પહેલા જ કામગીરી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગ્રામ પંચાયતનું કહેવું છે કે મોતા ગામે આવેલ તમામ વિદ્યુત પોલમાં અવરનાર અકસ્માત થાય તેવી સંભાવના રહેલી હોય તાં પોલ અને વીજતારની તપાસ કરી રેપેરિંગ કરવામાં આવે, આડા થઈ ગયેલા વીજપોલ અંગે અવારનવાર ફરિયાદ આવતી હોય તેને સત્વરે સમારકામ કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત મોતા ગામની સીમમાં આવેલ 66કેવી મોતાથી મોતા ગામ સુધીની અંડરગ્રાઉંડ કેબલનું કામ કરાવવાની જરૂરિયાત હોય તો તે સત્વરે કામગીરી પૂર્ણ કરવા, ગામમાં 11 કેવી તેમજ LT લાઇનનું રિપેરિંગ કરાવવા, નવા વાયરિંગનું કામ પૂર્ણ કરવા, ટ્રાન્સફોર્મર નડતરરૂપ તેમજ દબાણમાં હોય તો તે જરૂરી કાર્યવાહીકરી યોગ્ય કરવાની રજૂઆત કરવામાં આવી છે. અને આ કામગીરી થયા બાદ જ GETCOની કામગીરીની પરવાનગી આપવામાં આવશે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જો કે તેમ છતાં GETCO દ્વારા સ્ટેટ હાઇવેના માર્જિનમાં ખોદકામ શરૂ કરી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રોડને અડીને આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇનમાં જ આ ખોદકામ કરી કેબલ નાખવામાં આવનાર હોય આગામી દિવસોમાં મોટી મુશ્કેલી પડી શકે એમ છે. એટલું જ નહિ રોડની લગોલગ ખોદકામને કારણે વાહન ચાલકો માટે પણ જોખમ ઊભું થયું છે. સલામતીની કોઈ વ્યવસ્થા ન હોય અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. ગ્રામજનોએ કામ અટકાવવાનું કહેવા છતાં અધિકારીઓએ કામ ચાલુ રાખતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે



