સાગબારા એકલવ્ય સ્કૂલના 267 વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધારા માં
ITIના જૂના બિલ્ડિંગમાં ચાલી રહેલી સ્કૂલને માર્ગ અને મકાન વિભાગે જર્જરિત મકાન ખાલી કરવાની સૂચના આપી

સાગબારા ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના 267 વિદ્યાર્થીઓના શિક્ષણનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. હાલમાં આઈટીઆઈના જૂના બિલ્ડિંગમાં ચાલી રહેલી સ્કૂલને માર્ગ અને મકાન વિભાગે જર્જરિત મકાન ખાલી કરવાની સૂચના આપી છે.
તંત્રએ આ સમસ્યાના સમાધાન માટે સાગબારાના વિદ્યાર્થીઓને ગોરા સ્કૂલમાં મર્જ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, આ નિર્ણયનો ગોરા સ્કૂલના વિદ્યાર્થીઓએ સખત વિરોધ કર્યો. વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડીને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી, જેમાં સ્થાનિક વાલીઓ પણ જોડાયા હતા.
વિરોધને પગલે બંને સ્કૂલના પ્રિન્સિપાલોએ લેખિત બાંહેધરી આપી કે કોઈ વિદ્યાર્થીઓને ગોરા સ્કૂલમાં મર્જ કરવામાં નહીં આવે. હાલમાં ગોરા એકલવ્ય મોડેલ સ્કૂલમાં 386 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેની ક્ષમતા 400 વિદ્યાર્થીઓની છે. વધારાના 267 વિદ્યાર્થીઓને સમાવવા માટે પાણી, ભોજન અને રહેવાની વ્યવસ્થા મુશ્કેલ બની શકે છે.
સાગબારામાં નવું બિલ્ડિંગ ચોપડવાવ ગામ પાસે નિર્માણાધીન છે, પરંતુ તે પૂર્ણ થાય ત્યાં સુધી તંત્ર વૈકલ્પિક મકાનની શોધમાં છે. આદિવાસી બાળકોને મફત શિક્ષણ અને સુવિધાઓ પૂરી પાડવા માટે શરૂ કરાયેલી આ યોજનામાં, તંત્રની ઉતાવળે વિદ્યાર્થીઓની ભરતી કરી દેવાથી આજે આ સ્થિતિ સર્જાઈ છે.




