ડેડીયાપાડાના વાઘઉંમરથી ચોપડી ગામ સુધીનો પહેલીવાર બનતો રસ્તો બન્યો; પણ કોન્ટ્રાકટરોએ ખિસ્સા ભરવાનું જ કામ કર્યું
વાઘઉંમરથી બનાવેલ ડામરીકરણ લાકડીથી, પગથી ખોદાઈ તો આયુષ્ય કેટલું ? નાળાના કામમાં માટી મિકસ સાથે સિમેન્ટની બોરીઓમાં રેતી ભરી ચણતર કર્યું.

ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના મતવિસ્તારમાં યોજના નામે ઉઘાડી લુંટ ચલાવતાં તંત્રના આશીર્વાદથી કોન્ટ્રાકટર, કાયદો અને વ્યવસ્થાની આવી હાલત કોના પાપે?
ગુજરાતમાં ઠેરઠેર બનતાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ હલકી ગુણવત્તાના બનતા હોવાની બુમો વારંવાર સાંભળવા મળે છે. કેમકે એ બુમો સાંભળનાર બહેરા થઈ ગયા હશે, એવુ લાગી રહ્યું છે. તેવો જ દાખલો આઝાદીના ૭૭ વર્ષો બાદ પહેલી વખત ઘણાં સમયથી રાહ જોતા રસ્તો મંજુર થતાં આનંદની લાગણી વાઘઉંમરથી ચોપડી ગામના રહીશોમાં ફૈલાઈ હતી. પરંતુ રસ્તાની કામગીરી જોતાં કોન્ટ્રાકટરે ગામલોકોની લાગણી ક્ષણમાં જ ધૂળ નાંખી છે આવું લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના વાઘઉંમરથી ચોપડી ગામ સુધીનો રસ્તો આઝાદી બાદ પહેલી વખત બની રહ્યો છે. આ રસ્તો ૬ કિલોમીટરનો રસ્તો બે ભાગમાં મંજુર થયેલ છે. તે પૈકી હાલમાં ૩.૫ કિલોમીટરનો રસ્તો ૨૦૨૪ થી કામની શરૂઆત થયેલી છે. અને હાલમાં ડામરીકરણનું કામ ચાલે છે. તે ડામરીકરણનું કામ એટલું બોગસ બનાવવામાં આવી રહ્યું છે કે, મટેરીયલ એકદમ હલકી ગુણવત્તાનું વાપરતાં તરત જ પોપડા પડી જાય છે અને તિરાડો પડે છે. આ રસ્તો સામાન્ય લાકડીથી અને પગથી જ ખોદાઈ રહ્યો છે એટલી હદે કોન્ટ્રાકટર નું કામકાજ કરી એસ્ટીમેટના પૈસા ૯૦% થી વધારે ખિસ્સામાં ભરવાની કોશિશ કરી છે. છતાં તંત્રની લાપરવાહી રહેતાં બિન્દાસ્ત સરકારી પૈસાથી પોતાના ખિસ્સા ભરતા કોન્ટ્રાક્ટરોને સૌથી ચર્ચિત ધારાસભ્ય ચૈતર વસાવાની પણ બિક રાખ્યાં વગર ઉઘાડી લુંટ ચલાવી રહ્યા છે.
ઉપરાંત આ રસ્તા પર જે નાળાનુ કામકાજ કરેલ છે. તે કોન્ટ્રાકટરે નવી ટેકનોલોજીનો ઈસ્તમાલ કર્યો હોય એવું લાગી રહ્યું છે. નાળાનું કામકાજ કરેલ છે તેમાં સિમેન્ટનો ઉપયોગ જ નથી કર્યો પણ રેતીની સાથે માટીનું મિશ્રણથી કામ ચલાવી લેવાયું છે. અને નાળામાં અંદર સિમેન્ટની બોરીઓમા રેતી ભરી નાળા બનાવી દીધાં છે. તે કામ જોતાં કોન્ટ્રાકટર એવોર્ડને પાત્ર હોય એવુ લાગી રહ્યુ છે.
આ રસ્તો આઝાદી બાદ પહેલી વખત મંજુર થતાં ગામ લોકોને ઘણો જ આનંદ થયો હતો. પણ આવા હલકા કામકાજથી રસ્તો એક મહીનો પણ નહી ચાલી શકે એવુ લાગી રહ્યુ છે. કોન્ટ્રાકટર પર દેખરેખ રાખવા વહીવટીતંત્રની જવાબદારી છે. પણ વહીવટીતંત્રના પણ હાથ પિળા કરેલ હશે.એટલે કોન્ટ્રાકટર સરકારી કામના બહાને સરકારી પૈસા લુંટ કરવા નિકળી પડ્યા છે એવી પ્રતિતિ થાય છે. જેથી હાલમાં ગામ લોકો મિડીયાના માધ્યમથી આ રસ્તો ફરી બનાવવાની માંગ કરી રહ્યાં છે. અને કોન્ટ્રાકટર પર કડક કાર્યવાહી હાથ ધરવા માંગણી કરી રહ્યા છે. જો વહીવટીતંત્ર સત્વરે તાત્કાલિક નહી જાગશે તો તીવ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.



