માંગરોળથી કોસંબા સુધી કોંગ્રેસની સંવિધાન બચાવો યાત્રા

માંગરોળના વેલાછા ગામથી કોસંબા સુધી કોંગ્રેસ પક્ષે ‘જય બાપુ જય ભીમ જય સંવિધાન’ પદયાત્રાનું આયોજન કર્યું હતું. સંવિધાન બચાવો અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઈ ચૌધરીના નેતૃત્વમાં નીકળેલી આ પદયાત્રામાં એઆઈસીસીના જનરલ સેક્રેટરી આનંદભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ અને પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મહામંત્રી સમીરભાઈ મલેક સહિતના આગેવાનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. સુરત જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ સંતોષભાઈ મૈસુરીયા અને ઓલપાડ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ પટેલે પણ યાત્રામાં ભાગ લીધો હતો.
યાત્રા દરમિયાન કાર્યકરોએ ‘જય બાપુ જય ભીમ’ અને ‘સંવિધાન બચાવો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. કોસંબા પહોંચતા સ્થાનિક કોસંબા-તરસાડીના આગેવાનોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ કેન્દ્રની ભાજપ સરકાર સામે સંવિધાનના રક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.




