માંગરોળના પીપોદરા ગામે પાર્થ રોહાઉસની સામે બાંધકામ સાઈટ પર શ્વાસ રૂંધાઇ જવાથી યુવકનું મોત

માંડવીના ચુડેલ ગામના 35 વર્ષીય યુવક જીતેશભાઇ બાબુભાઇ ચૌધરીનું માંગરોળ તાલુકાના પીપોદરા ગામે પાર્થ રોહાઉસની વિસ્તારમાં થયેલા અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, બબનકુમાર અર્જુનરાઇના પ્લોટ નંબર 208-209માં નવા મકાનના બાંધકામ માટે બીમના ખાડા ખોદવામાં આવ્યા હતા. જ્યાં કપચી ખાલી કરવા માટે ટ્રક લાવવામાં આવી હતી. જીતેશભાઇ ટ્રકની નીચે ઉતરીને ડ્રાઇવરને ટ્રક ખાલી કરવા માટે ઇશારો કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રકના પાછળના ટાયર પાસે રહેલા ખાડા નજીક જમીન બેસી જતાં જીતેશભાઇ ખાડામાં પડી ગયા હતા.
દુર્ભાગ્યવશ, એ જ સમયે ટ્રકનું પાછળનું ટાયર પણ નીચે બેસી જતાં ખાડામાં પડ્યું હતું. ખાડામાં પહેલેથી જ પાણી ભરેલું હોવાથી અને ઉપરથી ટ્રકનું ટાયર આવી જતાં, જીતેશભાઇ પાણીમાં ફસાઇ ગયા હતા અને શ્વાસ રૂંધાઇ જવાથી તેમનું મૃત્યુ થયું હતું.
કોસંબા પોલીસ સ્ટેશનમાં આ અંગે અકસ્માત મોત કેસ નંબર 13/2025 નોંધવામાં આવ્યો છે અને ASI મહેશભાઇ બાબુભાઇ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




