દેડિયાપાડાના તાબદા ગામે જીવના જોખમે અભ્યાસ કરતાં છાત્રો

દેડિયાપાડાના તાબદા ગામે જીવના જોખમે અભ્યાસ કરતાં છાત્રોના માથે જોખમ ઉભું થયું છે. નર્મદા જિલ્લામાં શાળાઓની ખસ્તાહાલત સંદર્ભમાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, દેડીયાપાડાના તાબદા ગામની સરકારી માધ્યમિક શાળાના કેમ્પસ તથા હોસ્ટેલની હાલત ખુબ ખરાબ છે.
હોસ્ટેલનું મકાન જર્જરિત છે, ત્યા ખુબ મોટા પ્રમાણમાં ઘાસ ઉગી નીકળ્યું છે. પાણીનો બોર તો છે પણ પુરતા પ્રમાણમાં પાણી આવતું નથી ઉનાળામાં પાણી સુકાઈ જાય છે. વિષયવાર પુરતા શિક્ષકો, હોસ્ટેલમાં ગૃહપતિ નથી જેથી વિદ્યાર્થીઓની સંભાળ વોચમેન રાખે છે.રસોઈયા ન હોવાથી જમવાનું શાળાના વિદ્યાર્થીઓએ બનાવવું પડે છે.હોસ્ટેલના બાળકોને સવાર સાંજ કઠોળ, દાળ-ભાત, રોટલી,રોટલા તો અપાય છે પણ શાકભાજી આપવામાં આવતી નથી.જેથી સ્થાનિકોની માંગ છે કે પુરતા શિક્ષકો, ક્લાર્ક,ગૃહપતિ, રસોઈયા તેમજ શાળા અને હોસ્ટેલ બિલ્ડિંગની સફાઈ માટે અલગથી કામદારની ભરતી કરવામાં આવે તે જરૂરી છે.
તાબદા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા કે જેમાં 9 થી 12ના વિધાર્થીઓ ભણે છે 10 થી 12 વર્ષ જૂનું મકાન હશે. છતાં ખુબ જર્જરિત થઇ ગયું છે. પાણી ભરતી બાઈ અને બાળકો જાતે રસોઈ બનાવતા હતા. શિક્ષકો અને પટાવાળા અને રસોઈયા પણ સ્કૂલમાં નથી લેબોરેટરી નથી, નર્મદા અને ભરૂચ જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓમાં આવી જ સ્થિતિ જોવા મળે છે. તાબદા ગામની શાળા અને હોસ્ટેલની હાલત ખરાબ છે. સાગબારા તાલુકાના કોલવણ ગામે માધ્યમિક શાળાની પણ આવી જ સ્થિતિ છે.




