ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતમાં UCC કમિટીમાં આદિવાસી પ્રતિનિધિત્વની માંગ સાથે CM ને પત્ર લખ્યો

ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારીઓ વચ્ચે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને UCC કમિટીને પત્ર લખીને આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખવાની માંગ કરી છે.
રાજ્યમાં UCC અમલીકરણ માટે રચાયેલી કમિટી 40 દિવસમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. પરંતુ ધારાસભ્ય વસાવાએ આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં 1.25 કરોડથી વધુ આદિવાસી વસતી હોવા છતાં કમિટીમાં એક પણ આદિવાસી સભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી, જે ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે.
તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજના અલગ રીતરિવાજો અને પરંપરાઓ છે, જેમાં છૂટાછેડા સહિતના મુદ્દાઓ પર પંચ દ્વારા નિર્ણયો લેવામાં આવે છે. કમિટીમાં આદિવાસી પ્રતિનિધિત્વના અભાવે તેમની પરંપરાઓ અને હિતોનું રક્ષણ કોણ કરશે તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે.
ધારાસભ્યે વધુમાં જણાવ્યું કે આદિવાસીઓ દેશના મૂળ માલિક છે અને તેમના સંવૈધાનિક, મૌલિક અને માનવ અધિકારો પણ યોગ્ય રીતે અમલમાં નથી. ઉત્તરાખંડની જેમ જો ગુજરાતમાં UCC લાગુ કરવામાં આવશે તો તેની સૌથી વધુ વિપરીત અસર આદિવાસી સમાજ પર પડશે. તેમણે માંગ કરી છે કે UCC કમિટી આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરે અને તેમાં આદિવાસી પ્રતિનિધિને સામેલ કરવામાં આવે.




