નર્મદા

દેડિયાપાડામાં આદિવાસી સાહિત્ય-સંસ્કૃતિ પર રાષ્ટ્રીય સેમિનાર

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આવેલી સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં “આદિવાસી: સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને કૉલેજના IQAC તથા રિસર્ચ સેલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવીએ અધ્યક્ષ સ્થાનેથી આદિવાસી સમાજની વર્તમાન સ્થિતિ વિશે મહત્વપૂર્ણ વક્તવ્ય આપ્યું.

સેમિનારમાં ડૉ. ભગવાનદાસ પટેલે આદિવાસી લોકસાહિત્યના સંશોધન-સંપાદનના પડકારો વિશે ચિંતનાત્મક વિચારો રજૂ કર્યા. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. અરુણ વાઘેલાએ ભારતીય આદિવાસીઓના સાંસ્કૃતિક વારસા વિશે જ્ઞાનસભર વ્યાખ્યાન આપ્યું, જ્યારે એમ.એલ.એસ.યુ. ઉદેપુરના ડૉ. મનીષ શ્રીમાળીએ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આદિવાસી સમાજની સ્થિતિ અને તેમની સંસ્કૃતિના જતન માટેના પ્રયાસો વિશે વિસ્તૃત છણાવટ કરી.

સંશોધક ડાહ્યાભાઈ વાઢુએ દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકસાહિત્યનો વિસ્તૃત પરિચય આપ્યો. સેમિનારના બીજા સત્રમાં વિવિધ કૉલેજોના પ્રાધ્યાપકો અને સંશોધનાર્થીઓએ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી પોતાના શોધપત્રો રજૂ કર્યા. કાર્યક્રમના અંતે સંયોજક અશોકભાઈએ સહભાગીઓ અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો.

Related Articles

Back to top button