નર્મદા

હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા દ્રૌપદી મુર્મૂ બાય રોડ એકતાનગર પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ તેમના ચાર દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. દેશની અંખડિતાના શિલ્પી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિહાળવા એકતાનગર જઇ રહેલા રાષ્ટ્રપતિએ વડોદરા એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું. જ્યાં તેમને ઉષ્માસભર આવકાર આપવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ આજે બપોર બાદ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા અને અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર પિંકીબેન સોની, સાંસદ ડો. હેમાંગ જોશી, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, બ્રિગેડિયર સુરેશ એસ. અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો હતો.

એરપોર્ટ ડાયરેક્ટર આઈ.એમ.એ દાઉદે દિવ્ય ભાસ્કરની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વડોદરા એરપોર્ટથી કેવડિયા ખાતે હેલિકોપ્ટર મારફતે રવાના થયા હતા. જોકે, તેઓ ત્યાં પહોંચ્યા બાદ ટેક્નિકલ ખામીને કારણે હેલિકોપ્ટર લેન્ડ થઈ શક્યું ન હતું અને બાદમાં તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પરત ફર્યા હતા અને 15 મિનિટ એરપોર્ટ પર રોકાયા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ બાય રોડ એકતાનગર જવા માટે રવાના થયા હતા.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 26 અને 27 મીએ રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુ બે દિવસની મુલાકાતનો કાર્યક્રમ ફિક્સ થયો હતો. જેને લઇને નર્મદા વહીવટી તંત્ર સજ્જ બન્યું હતું અને તમામ વિઝિટની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રપતિ 26મીએ સાંજે 5 કલાકે એકતાનગર હેલીપેડ ખાતે ઉતરવાના હતા અને રાત્રિના નર્મદા આરતીમાં જોડાવવા હતા, પરંતુ વડોદરાથી બાય રોડ કાર મારફતે કેવડીયા એકતાનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તંત્ર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, આજના તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તા.26મીના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વ્યુઈંગ ગેલેરી, પ્રદર્શન કક્ષ, લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળી નર્મદા ઘાટ ખાતે આરતીમાં સહભાગી થવાના હતા, પંરતુ વડોદરાથી કારમાં એકતનગર ખાતે આવતાં મોડું થતાં આજના રાત્રિના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.

આજે 27મી ફેબ્રુઆરીએ એકતાનગરમાં આવેલા આરોગ્યવન, મિયાવાકી ફોરેસ્ટ, જંગલ સફારી, સરદારસરોવર ડેમ અને એકતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાતનું શિડ્યુલ હતું, પણ હવે રી શિડ્યુલ થશે.

Related Articles

Back to top button