RTI કાયદામાં ફેરફાર સામે દેશવ્યાપી ઝુંબેશની જાહેરાત
ડેટા પ્રોટેક્શન કાયદાના કારણે RTI કાયદામાં મોટો ફેરફાર

જાહેર હિતની માહિતી હવે નાગરિકો માટે અગમ્ય નહીં રહે, ભ્રષ્ટાચાર સામે લડત નબળી પડશે
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) કાયદા દ્વારા માહિતી અધિકાર (RTI) કાયદામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેના કારણે નાગરિકોને મહત્વની માહિતી મેળવવા માટે અવરોધ ઉભા થઈ શકે છે. આ ફેરફારોને કારણે RTI એક્ટની પારદર્શિતા અને જવાબદારીની ભાવના પર ઘા પડ્યો છે, એવી ચિંતા નાગરિકો અને RTI કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે.
DPDP કાયદાની કલમ 44(3) દ્વારા RTI કાયદાની કલમ 8(1)(j) માં સુધારો કરીને, “વ્યક્તિગત/અંગત માહિતી” જાહેર કરી શકાશે નહીં તેવી જોગવાઈ કરી દેવાઈ છે. અગાઉ RTI કાયદા હેઠળ, જો કોઈ માહિતી જાહેર હિત માટે મહત્વપૂર્ણ હોય અથવા કોઈ જાહેર પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય, તો તે નાગરિકોને મળી શકતી હતી. વધુમાં, જે માહિતી સંસદસભ્યો (MPs) અને ધારાસભ્યો (MLAs) માટે ઉપલબ્ધ હોય, તે નાગરિકોને પણ આપવાની જોગવાઈ હતી.

RTI કાયદાની અસર કેવી રીતે પડશે?
RTI કાયદાના નવા સુધારાને કારણે સરકારી કોન્ટ્રાક્ટ, પેમેન્ટ ડીટેઇલ્સ, સરકારી ભંડોળનો ઉપયોગ, તેમજ સરકારી યોજનાઓના લાભાર્થીઓના નામ નાગરિકોને મળવાની શક્યતા ઓછી થઈ જશે. ઉદાહરણ તરીકે, નરેગા (MGNREGA) હેઠળ કામ કરનાર શ્રમિકોના નામ, સરકારી ભંડોળમાંથી પેમેન્ટ થયેલ કોન્ટ્રાક્ટરોની વિગત, અનાજ વહેંચણી યોજનાના હકદારોની માહિતી વગેરે ‘વ્યક્તિગત’ ગણાવીને જાહેર કરવામાં નહીં આવે.
RTI કાયદામાં આ ફેરફાર થવાના કારણે, ભ્રષ્ટાચાર સામેની લડતમાં નબળાઈ આવશે. RTI એક્ટ હેઠળ જાહેર થયેલ અનેક કિસ્સાઓમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામેના પુરાવા બહાર આવ્યા હતા, પણ હવે આવા કેસોમાં માહિતી મેળવવી મુશ્કેલ બનશે.

DPDP કાયદો RTI એક્ટથી વધુ સત્તાધિક કેમ?
RTI કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર, DPDP એક્ટ RTI કાયદા પર સર્વોપરી બની જશે. આ કાયદામાં ‘વ્યક્તિગત માહિતી’ની વ્યાખ્યા એટલી વ્યાપક બનાવી દેવાઈ છે કે, હવે વ્યક્તિનું નામ, સરનામું, અથવા એવી કોઈ પણ માહિતી જે વ્યક્તિ, ગ્રૂપ, અથવા કંપનીની ઓળખ દર્શાવે, તે પણ ગુપ્ત માનવામાં આવશે.
RTI એક્ટની કલમ 4 હેઠળ સરકારને નાગરિકો માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી સાથેજ જાહેર કરવી પડતી હતી, જેમાં નરેગા, પેન્શન, રાશન, અને આવાસ યોજનાઓના હકદારોની વિગતો સામેલ હતી. નવા કાયદા હેઠળ, આવી માહિતી સરળતાથી ગુપ્ત રાખી શકાશે.

RTI કાયદાના ફેરફારો સામે દેશવ્યાપી ઝુંબેશ
RTI કાર્યકર્તાઓ અને સામાજિક ચળવળોના નેતાઓએ આ ફેરફારોને અત્યંત ખતરનાક ગણાવ્યા છે. RTI એક્ટના પ્રણેતા સુશ્રી અરુણા રોય, નિખિલ ડે, અંજલી ભારદ્વાજ, અને અન્ય રાષ્ટ્રીય સંગઠનો તેમજ ચળવળો દ્વારા દેશમાં RTI જંબેશ શરૂ કરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત, RTI કાર્યકરો વડાપ્રધાનને પોસ્ટકાર્ડ અને સહી અભિયાન દ્વારા અપીલ કરી રહ્યા છે કે, જો સરકાર ભ્રષ્ટાચારના વિરોધમાં ખડી છે, તો આ ફેરફારો તાત્કાલિક પાછા ખેંચવા જોઈએ.

RTI સુધારા: પારદર્શિતા વિરૂદ્ધ એક પગલું?
RTI કાર્યકર્તાઓનું માનવું છે કે, આ સુધારા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને વધુ પ્રોત્સાહન આપશે. DPDP કાયદાના નામે સરકાર ભવિષ્યમાં નાગરિકોની પહોંચમાંથી અનેક સરકારી દસ્તાવેજો અને માહિતી દૂર કરી શકે છે.
આ મુદ્દે નાગરિકોએ અને RTI કાર્યકરોએ સરકાર સામે દબાણ ઊભું કરવાની તૈયારી બતાવી છે. જો સરકાર આ સુધારો પાછો ખેંચતી નથી, તો આગામી સમયમાં દેશવ્યાપી આંદોલન ઉગ્ર બનવાની સંભાવના છે.




