
દક્ષિણ ડાંગ વન વિભાગે લાકડાં ચોરીના કેસમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે ગેરકાયદે લાકડાં વહન કરતી એક ગાડીને ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન ચિંચિનાગાવઠા રેંજ ફોરેસ્ટ ઓફિસર ગણેશ ભોયે અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે વઘઈ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી.
બાતમી મુજબ, ધોધલપાડા થઈને એક વાહન પસાર થવાનું હતું. આ માહિતીના આધારે વન વિભાગની ટીમે વઘઈ ગામે આવતી સફેદ મહિન્દ્રા પિકઅપ (GJ 30 T 1313)ને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે, વાહન ચાલકે ગાડી રોકવાને બદલે પૂરપાટ ઝડપે ભગાડી મૂકી હતી. ચાલક બારખાધિયા ચેકિંગ નાકું તોડીને મહારાષ્ટ્રના હાંડકાઈચોંડ તરફ નાસી છૂટ્યો હતો.
વન વિભાગની ટીમે પીછો કરીને મહારાષ્ટ્રના ઉંમરથાના ગામના બજારમાં ગાડીને ઝડપી પાડી હતી. જોકે, ડ્રાઈવર ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ગાડીની તપાસ કરતા તેમાંથી બિન પાસ પરમિટના સાગના 6 લાકડા (1.128 ઘનમીટર) મળી આવ્યા હતા. લાકડાંની કિંમત રૂ. 1,38,180 અને ગાડીની અંદાજિત કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 6,38,180નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા લાકડાં ચોરી કરનારાઓને પકડવા સતત નિગરાની રાખવામાં આવી રહી છે. આંતરરાજ્ય સરહદ પર ગેરકાયદેસર લાકડાં વાહતુક અંગે વિશેષ તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ કાર્યવાહી દ્વારા વન વિભાગે લાકડાં ચોરી અને ગેરકાયદે વાહતુક રોકવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.




