
કુકરમુંડા તાલુકાના ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા ગંગથા ગામના કાથુડીયા ફળિયામાં ગંદા પાણીના ભરાવાના કારણે ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. ગટર લાઈનની સુવિધાના અભાવે ઘર વપરાશનું ગંદુ પાણી ખુલ્લામાં એકત્રિત થવાથી ફળિયામાં ભારે દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે.
તંત્રની નિષ્ક્રીયતા:
ફળિયામાં ગંદા પાણીના ભરાવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકી અને દુર્ગંધના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે, અને ભવિષ્યમાં જીવલેણ રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ લોકોમાં પ્રસરી ગયો છે. સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં, ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના જવાબદારો આ મુદ્દે કોઈ પગલાં ભરતા ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્વાસ્થ્ય પર જોખમ:
ફળિયામાં સંગ્રહાયેલી ગંદકી અને દુર્ગંધવાળા પાણીના કારણે મચ્છરજન્ય રોગો જેવી કે મલેરિયા, ડેન્ગ્યુ, તાવ, ઝાડા-ઉલટી જેવા રોગચાળો ફાટી નીકળવાનો ભય ઉગ્ર બન્યો છે. તંત્ર દ્વારા જો સમયસર યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આવનાર સમયમાં પરિસ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
લોકોની માંગ:
- કાથુડીયા ફળિયામાં પાયાની ગટર લાઈન બનાવવી
- ગંદા પાણીના નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવી
- મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે દવા છાંટકાવાની કામગીરી હાથ ધરવી
સરકાર દ્વારા દર વર્ષે ગ્રામ વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના અંતર્ગત આવતા કાથુડીયા ફળિયામાં ગંદા પાણીનો નિકાલ કરવામાં કોઈ જ પ્રયાસ થતો નથી. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાયાની સુવિધાઓ વિકસાવી ગ્રામજનોને આ સમસ્યાથી મુક્ત કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગ ઉઠી છે.




