
માંડવી તાલુકાના વદેશિયા ગામ ખાતે બાપની ગેરહાજરીમાં પરિવાર સંભાળી રહેલ 27 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર નોધારો થઈ હતો.સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરવામાં આવતા માંડવી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે. લોકો નજીવા કારણે આપઘાતનું પગલું ભરી રહ્યા છે.ત્યા રે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે.માંડવી તાલુકાના વદેશીયા ગામ ખાતે આવેલ ડી. પી ફળિયામાં રહેતા અને જીઆઈડીસીમાં છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 27 વર્ષીય અંકિત ભાઈ જશવંત ભાઈ ચૌધરી નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એકલતાનો લાભ લઈ લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ આસપાસના લોકોને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તુરંત નજીકના હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.જ્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કર્યો હતો.
થોડા વર્ષો અગાઉ મૃતક અંકિતના પિતા જશવંત ભાઈનું મોત નિપજ્યું હતું. જેને લઇને નાની ઉંમરમાં પરિવારની જવાબદારી અંકિતના શિરે હતી.અંકિત વદેશિયા ખાતે જ તેની એક બાળકી,પત્ની અને માતા સાથે રહેતો હતો.પરંતુ કોઈ અગમ્ય કારણોસર આ પ્રકારનું પગલું ભરતા પરિવાર ભાંગી પડ્યો છે.અને નોંધારો થઈ ગયો છે.




