માંગરોળ
માંગરોળના ખરેડા ગામે પાણીની ટાંકી પાસે કલર કામ કરી રહેલ શ્રમજીવીનું ભમરાના કરડવાથી મોત

માંગરોળના ખરેડા ગામે એક દુર્ભાગ્ય પૂર્ણ ઘટનામાં કલર કામ કરી રહેલા 60 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. અરવલ્લી જિલ્લાના પાતેરા ગામના વતની અજીતસિંહ ઉર્ફે કાભઈ ભવાનસિંહ સોલંકી સરકારી પાણીની ટાંકી પાસે કલર કામ કરી રહ્યા હતા.
કામ દરમિયાન નજીકના ઝાડ પરથી ઊડેલા ભમરાઓએ તેમના શરીર પર હુમલો કર્યો હતો. ભમરાના કરડવાથી ગભરાયેલા અજીતસિંહ આરસીસીના પગથિયા પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ગંભીર ઈજાઓને કારણે તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમનું દુःખદ અવસાન થયું હતું. આ ઘટના સંદર્ભે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.




