ડાંગ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ બોગસ ડોકટરોના નામ સાથે ગોરખ ધંધા બંધ કરવા કલેક્ટરને આવેદન પાઠવ્યું

ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા દવાખાનાની તપાસ થાય તો કેટલાક ગેરકાયદેસર રીતે ચલાવતા ડિગ્રી વગરના ડોક્ટર ઝડપાય તેમ છે ત્યારે ડાંગ જિલ્લામાં બોગસ ડિગ્રીવાળા ડોક્ટરોથી ધમધમતા દવાખાના બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ડાંગ જિલ્લાનાં આમ આદમી પાર્ટીના પ્રમુખ તથા મહામંત્રી અને ઓ.બી.સી પ્રમુખે સુબીર તાલુકામાં ગેરકાયદેસર ચાલતા દાવાખાનાની તપાસ કરી હતી. જેમાં મેડીકલ તથા દર્દીને ઈલાજ કરવાનું સરકાર માન્ય રજીસ્ટ્રેશન ન હોય તથા ડિગ્રી વગરનાં ડોકટરના નામ સામે આવ્યા હતા. ડાંગમાં બોગસ ડોક્ટરો હોવાનાં પગલે જે તે સ્થળોએ દવાખાનાનું સૂચક બોર્ડ લગાવાયું નથી અને ત્યાં અમુક ડોકટરો કે જેમણે હોમિયોપેથીક અભ્યાસ કર્યો છે તેઓ એલોપેથીક પ્રેક્ટિસ કરી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. આ એલોપેથીકની ડિગ્રી વગરનાં ડોક્ટરો ડાંગની પ્રજાને ગેરમાર્ગે દોરીને તેમની સારવાર કરી રહ્યા છે. આ બોગસ ડોક્ટરો દ્વારા વપરાતી દવાને કારણે આડઅસર થઈ તો જવાબદાર કોને ઠરાવવા તે પણ પ્રશ્ન ? છે. આ બોગસ ડોક્ટરો આદિવાસી પ્રજા પાસેથી ખુલ્લી લૂંટ ચલાવતા હોય છે. આ કાળા ધંધા અંગે ચૂંટાયેલા પ્રતિનિધિ, આગેવાનો કે અધિકારીઓને ખબર હોવા છતા પણ આંખ આડા કાન કરી રહ્યાં છે. આ અંગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરાય તેવી માંગ સાથે ડાંગ જિલ્લા આપ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ દિન-10માં તપાસ નહીં કરાય તો આરોગ્યની વડી કચેરીએ જાણ કરાશે એવી ચીમકી ઉચ્ચારી હતી.
આ સાથે ડાંગ જિલ્લા આમ આદમી સંગઠન પાર્ટી દ્વારા આવેદનપત્રમાં બોગસ ડોકટરોમાં ડો. પંકજ સી. સિંગ (સુબીર મેઈન રોડ પર દવાખાનું), કમલેશભાઈ મુલીક (મહાલ રોડ, સુબીર) અને ભાલચંદ વી. પાટીલ અને મિલનભાઈ વિશ્વાસભાઈ (મેઈન રોડ, સુબીર)ના નામ સાથે ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે. તંત્ર આગામી દિવસોમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ ભરશે કે નહીં તે સમય જ બતાવશે.



