L&T ફાઇનાન્સ કંપની કંપનીના એજન્ટે વિરપુર ગામના ખેડૂત સાથે છેતરપિંડી કરતા ગુનો દાખલ કર્યો

વ્યારા તાલુકાના વીરપુર ગામના ખેડૂત સાથે ફાઇનાન્સ કંપનીના એજન્ટ લોનના હપ્તા બાકી છે. કહી ટ્રેક્ટર લઈ જઈ પોતાના અંગત કામ માટે ઉપયોગમાં લીધું હતું. જે બનાવ અંગે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
વ્યારા તાલુકાના વીરપુર ગામે ગામઠાણ ફળિયામાં રહેતા ખેડૂત કાંતાભાઈ કોટાભાઈ ગામીત (63)એ સને 2019 દરમિયાન વ્યારા મહિન્દ્રા કંપનીના શો રૂમમાંથી યુવો 415 મોડલનું મહિન્દ્રા ટ્રેક્ટર રૂ.5.50 લાખમાં લીધું હતું. કંપનીમાં રૂ.50 હજાર ડાઉન પેમેન્ટ ભર્યા બાદ બાકીની રકમની એલએન્ડટી ફાઇનાન્સ કંપનીમાં લોન કરાવી હતી. તેઓ લોનનો છ માસિક રૂ.73,300નો હપ્તો રેગ્યુલર ભરતા હતા. પરંતુ ડિસેમ્બર 2021 દરમિયાન હપ્તા પેટે રૂ.50,000 જ ભરેલા અને રૂ.23,300 બાકી રાખ્યા હતા. જે ભરવાનું ખેડૂત કાંતાભાઈ ચૂકી ગયા હતા. જેથી તા.28 માર્ચ 2022ના રોજ એલએનટી ફાયનાન્સમાં થી એજન્ટ એવા કલેકશન મેનેજર સાવનભાઈ ચંદુભાઈ પટેલ (રહે. વાંસદા રુઢ ,મોટું ફળિયું, તા.કામરેજ,જી. સુરત) આવ્યો હતો અને ખેડૂતને જણાવ્યું હતું કે, તમે ટ્રેક્ટરનો હપ્તો ચૂકી ગયા છો, જેથી તમારું ટ્રેક્ટર કંપનીમાં જમા કરવાનું છે. તમે હપ્તો ભરી ટ્રેક્ટર છોડાવી જજો, તેમ કહી એજન્ટ સાવન પટેલ કંપનીમાં જમા કરવા ટ્રેક્ટર લઇ ગયો હતો. ત્યારબાદ ખેડૂતના પુત્ર ઉપર ટ્રેક્ટરના હપ્તા ભરવા અવર નવર ફોન આવતા હતા. પરંતુ ટ્રેક્ટર એજન્ટ લઇ ગયો હોવાથી તેમણે હપ્તા બાબતે ધ્યાન આપ્યું ન હતું. ત્યારબાદ કંપની તરફથી જાણવા મળ્યું હતું કે એજન્ટ સાવન પટેલે ટ્રેક્ટર કંપનીમાં જમા કરાવ્યું નથી અને હાલ કંપનીમાં નોકરી કરતો નથી. ત્યારબાદ સાવન પેટેલનો કોન્ટેક્ટ કરતા, તેણે ટ્રેક્ટર કંપનીમાં જમા કરાવી કરાવી દેવા, તમે ચિંતા ન કરતા એવા વાયદા કરી ખોટા વાયદા કરતો હતો. તેમ છતાં, ટ્રેક્ટર કંપનીમાં જમા કરાવ્યું ન હતું કે ખેડૂતને પરત કર્યું ન હતું. જેથી હાલ નવસારી ખાતે અન્ય ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા સાવનભાઈ ચંદુભાઈ પટેલ વિરુદ્ધ કાંતાભાઈ ગામીતે વ્યારા પોલીસ મથકે છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ આપી છે.




