તાપી

ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં કરવામાં આવી

બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કર્યું

76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી “સ્વર્ણિમ ભારત: વિરાસત ઔર વિકાસ”ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ હતી. જેને લઇને સમગ્ર જિલ્લામાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા દિલધડક કરતબોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

  • સાંસ્કૃતિક કાર્યક્રમમાં સારી કૃતિઓ રજૂ કરનારને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ટ્રોફી એનાયત કરાઇ.
  • પાણીદાર અને ચુનંદા અશ્વો તેમજ ચુનંદા અશ્વસવારો આ હોર્સ શોનાં દિલધડક કરતબો બતાવી તમામ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
  • 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં કોસ્ટગાર્ડ, BSF, ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી સહિત વિવિધ જિલ્લા પોલીસની 23 પ્લાટુન જોડાઈ હતી.
  • ટેન્ટ પેગિંગનો ઇતિહાસ એવો છે કે, રાજા મહારાજા અને અંગ્રેજોના સમયમાં એકબીજા રાજ્યોમાં સૌનિકો લાકડાની પેગો જમીનમાં રોપીને રાત્રિરોકાણ કરતા ત્યારે આ ટેન્ટોને ટેન્ટ પેગિંગ દ્વારા દુશ્મનો સહિત ઉઢાવી લેતાં. આ સમયમાં આવા ટેન્ટો અને દુશ્મનોની છાવણી પર ઘોડાઓ ઉપર સવાર થઇ અશ્વો દ્વારા હુમલો કરી પેગોને ભાલાથી ઉખેડી નાખતા હતા. આ રીતે દુશ્મનોના ટેન્ટો ઉપર હુમલો કરવામાં આવતો હતો.
  • ડોગ શોમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને બેલ્જિયમ મલીનોઇઝ જાતિના ડોગનો સમાવેશ કરાયો છે. આ શ્વાન પગેરું શોધવા, ગંધ પારખવા, સ્ફોટક પદાર્થ શોધવામાં અને નશીલા પદાર્થ શોધવામાં તાલીમબદ્ધ હોય છે.
  • નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય પોલીસ શ્વાનદળે અત્યારસુધીમાં અખિલ ભારતીય શ્વાન સ્પર્ધા અને ચૅપિયન ડોગ “શો”માં પ્રશંસનીય કામગીરી કરી ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, ટ્રોફીઓ અને પ્રશંસાપત્રો મેળવી શ્વાનદળનું ગૌરવ વધાર્યું છે.
  • પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આ શો સૌથી લોકપ્રિય છે. ખાસ કરીને બાળકોમાં કુતૂહલતા જગાવતા આ શોમાં મોટરસાઇકલની મદદથી સિંગલ અને ડબલ ઇવેન્ટો કરાઇ, જેમાં પોલીસ જવાનો દ્વારા આંખના પલકારામાં જ એકબીજાને ઊની આંચ પણ ન આવે એ રીતે દિલધડક ક્રોસિંગ કરતા વિવિધ સ્ટંટ જોવા મળ્યા
  • ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતાં લોકનૃત્યો, જેવા કે ગુજરાતના ભાતિગળ ગરબા, હાલાર પ્રદેશનો રાસ, ડુંગરાળ પ્રદેશના વનબંધુઓનું ટીમ્બલી નૃત્ય. સોરઠ ધરાની ટિપ્પણી નૃત્ય રજૂ કરાયા. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસનાં મહિલા/પુરુષ મળી કુલ-225 કર્મચારીએ ભાગ લીધો. નૃત્યોનું સંગીત, ડ્રેસ કોડ અને વિવિધ ફોર્મેશન દરેકમાં જોશ જગાડે છે.
  • બ્રાસ બેન્ડ ડિસ્પ્લેની ટીમ દ્વારા વિવિધ ફોર્મેશન સાથે ડિસ્પ્લે કાર્યક્રમ રજૂ કરાયો. આ ટીમે તાજેતરમાં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પ્યુટેશનમાં નાગાલેન્ડ ખાતે ભાગ લઇ ગુજરાત પોલીસનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે.

જિલ્લા સેવા સદન સહિત તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો રંગબેરંગી લાઈટો અને આકર્ષક રંગોળીઓથી શણગારવામાં આવ્યાં છે. રંગબેરંગી લાઈટોથી ઝળહળતા શહેરની જેમ જ નગરજનોના મુખ પર પણ આનંદ અને ગૌરવની ચમક જોવા મળી રહી છે. આ ઐતિહાસિક અવસર તાપી જિલ્લાની એકતા અને ભવ્યતાને પ્રતિબિંબિત કરી રહ્યો છે, જે આગામી પેઢીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે.

જિલ્લા સેવા સદનના પટાંગણમાં બનાવવામાં આવેલી ખાસ રંગોળી માત્ર કલાનું જ નહીં, પરંતુ દેશપ્રેમનું ઉત્તમ પ્રતીક બની છે. મહિલાઓ, બાળકો અને યુવાનો આ સુંદર દૃશ્યોને પોતાના સ્માર્ટફોનમાં કેદ કરી યાદગાર બનાવી રહ્યાં છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિના ત્રિવેણી સંગમ સમાન તાપી જિલ્લાના નાગરિકોના ચહેરા પર દેશભક્તિનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

76મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના પ્રાચીનથી અર્વાચીન ઇતિહાસને પ્રસ્તુત કરતો ‘તાપી તારાં નીર નિરંતર’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

તાપી જિલ્લામાં યોજાનારા ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વસંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹240 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે તાપી જિલ્લાના વિકાસ અર્થે ₹2.50 કરોડનો ચેક જિલ્લા કલેક્ટરને અને ₹2.50 કરોડનો ચેક જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે, તાપી જિલ્લાને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનારા 13 જેટલા વ્યક્તવિશેષનું સન્માન તેમજ તાપી જિલ્લાની પરિચય પુસ્તિકા “તાપી…પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ”નું વિમોચન કરવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button