ડોલવણ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આદિવાસી બહુલ તાપી જિલ્લામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી. આ વેળાએ ઉપસ્થિત ગૃહમંત્રીએ આ દિવસની ઉપસ્થિતોને શુભકામના આપીને આદિવાસી સમાજની મહત્ત્વ સમજાવી આદિવાસી સમાજ દ્વારા આઝાદીની લડાઈમાં આદિવાસીઓના બલિદાન અંગે યાદ કર્યા હતા. આ સાથે કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓ અને લોકોને સન્માનિત કર્યા હતા. સાથે આદિવાસી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે કરેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કલેક્ટર સહિતના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ડોલવણ ખાતે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય મોહનભાઈ કોકણી, કલેક્ટર ડો.વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, આદિજાતિ વિભાગના ઉપ સચિવ જયદેવસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ આદિવાસી ભાઈઓ-બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતનો ભૂતકાળ હોય કે વર્તમાન, આદિવાસી સમાજ સિવાય ક્યારેય પૂર્ણ ના થઈ શકે. દાતાથી લઈ ડાંગ સુધી આદિવાસી સમાજે સંસ્કૃતિને ધબકતી રાખી છે. આદિવાસી સમાજનો ગૌરવપૂર્ણ ઈતિહાસ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજની સાથે રહીને પરિવારનો વિકાસ થાય એ વિઝન રાખીને યોજનાઓ બનાવી છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે યોજનાઓ પહોંચી છે. આયુષમાન યોજના થકી આરોગ્યની સારવાર મફતમાં થઈ જાય. જેની ચિંતા મુખ્યમંત્રીએ કરી છે. છેવાડાના ગામોમાં નેટવર્કની સમસ્યા આવે છે. જેના માટે ટૂંક સમયમાં નાગરિકોને કેન્દ્રમાં રાખીને ટાવર લોન્ચીંગ થનાર છે.




