મોટા બોરસરા ગામના પાટિયા પાસેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું અનુમાન

માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામના પાટિયા પાસેથી શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું અનુમાન છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં મોત થવાનો સિલસિલો યથાવત છે. આજરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં પસાર થતા કિમ માંડવી સ્ટેટ હાઇવે પર ફૂટપાથ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહનો મળી આવ્યો હતો. જેને લઇને લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ નવીન અગ્રવાલ અને માંડવીના કરંજ ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા છે. હાલ તો પોલીસે મૃતદેહ પીએમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




