મહુવા તાલુકા પંચાયતના સભ્યએ TDOના ગાલે ચાર-પાંચ થાપ્પડ ચડાવી દીધી

મહુવા તાલુકા પંચાયતની શેખપુર બેઠક પરથી વિજેતા થયેલા સભ્ય પરિમલ પટેલે શુક્રવારે સાંજે મહુવા તાલુકા વિકાસ અધિકારી પી.સી મહાલાને અપશબ્દો આપી ગાલ પર તમાચા મારી શરીરે ઢીક મુક્કીનો માર મારતા ભારે ચકચાર વચ્ચે મામલો મહુવા પોલીસ મથકે પહોંચ્યો હતો. મહુવા પોલીસે ટીડીઓની ફરિયાદ આધારે તાલુકા પંચાયતના સભ્ય વિરુદ્ધ ગુનો નોંધાયો છે. શેખપુર સીટ પરથી ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે.
મહુવા પોલીસને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તેઓ પોતાનું સરકારી વાહન સુમો લઈ કુમકોતર ગામેથી સરકારનો જાહેર કાર્યક્રમ પતાવી પરત મહુવા આવી રહ્યા હતા. તે દરમિયાન વાંસકુઈ ગામની સીમમાં તાલુકા પંચાયત સદસ્ય પરિમલ પટેલે પોતાની અલ્ટો કાર (GJ-19-M-8272) પૂરઝડપે હંકારી લાવી સરકારી વાહન આગળ અચાનક તેમની કાર આડી મૂકી દઈ અવરોધ ઉભો કર્યો હતો. સરકારી વાહનમાં સવાર મુકેશ રાઠોડને ફોન કરી તમે ગાડી કેમ ઉભી રાખી નહોતી. મારે જાણવું હતું કે, ગાડીમાં કોણ કોણ છે. તું ટીડીઓ સાહેબ સાથે ફરે છે ને તને પણ જોઈ લઈશ અને તારી નોકરી પણ જશે અને તારા પોટલાં પણ વાળી દઈશ તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ મહુવા તાલુકા વિકાસ અધિકારી પી.સી.મહાલા મહુવા તાલુકા પંચાયત કચેરી પર આવ્યા હતા અને ત્યાંથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.મહાકાળ સાથે મહુવા ગામમાં જિલ્લા પંચાયત સ્વભંડોળના આવાસની ચકાસણી માટે સરકારી કામે જવા નીકળ્યા હતા. તે દરમિયાન સભ્ય પરિમલ પટેલ ત્યાં આવી અચાનક ઉશ્કેરાઇ જઈ તમામ સ્ટાફની સામે તાલુકા પંચાયત કેમ્પસમાં ટીડીઓને અપશબ્દો આપી ચાર-પાંચ થપ્પડ ગાલ ઉપર મારી ગમે તેમ શરીરે ઢીક મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચક્ચાર મચી જવા પામી હતી.
ઘટના અંગે મહુવા ટીડીઓએ મહુવા પોલીસને જાણ કરી ફરિયાદ આપતા પોલીસે તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને મહુવા પોલીસ મથકે લાવ્યા બાદ તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલને અચાનક પથરીનો દુખાવો ઉપડ્યો હતો. દુખાવા સાથે પરિમલ પટેલને મહુવાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ દુખાવો દૂર થતાં પરિમલ પટેલને ફરી પોલીસ મથકે લાવી પોલીસ દ્વારા વધુપૂછપરછ હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.




