બારડોલી

બારડોલી તાલુકાના તેન ગામની સીમમાં નાંદીડા ચોકડી પર વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ વહીવટી તંત્રની બહાર બિરસા મુંડાની પ્રતિમા મુકાય જતાં તંત્ર દોડતું થયું

બારડોલી તાલુકાના તેન ગામની સીમમાં નાંદીડા ચોકડી પર વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ વહીવટી તંત્રની બહાર બિરસા મુંડાની પ્રતિમા મુકાય જતાં તંત્ર દોડતું થયું હતું. માનભેર જેમની સ્થાપના થવી જોઈએ તેમની પ્રતિમા પ્રજાને અંધારામાં રાખી સ્થાપના કરી દેવામાં આવતા આદિવાસી સમાજના કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

બારડોલી તાલુકાના નાંદીડા ચોકડી પર છેલ્લા ઘણા સમયથી બિરસા મુંડાની પ્રતિમા સ્થાપના કરવાની માગ કરવામાં આવી રહી છે. આદિવાસી સમાજ દ્વારા આ ચોકડીનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું. જો કે કોઈક કારણોસર અહીં બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત થઈ શકી ન હતી. દરમ્યાન આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ આ જગ્યા પર પ્લેટફોર્મ બનાવી બિરસા મુંડાની પ્રતિમા મૂકી દેવાઇ હતી . માનભર જેની સ્થાપના થવી જોઈએ તેને આવી રીતે કોઈ પણ જાતની જાણ વગર મૂકી દેવામાં આવતા વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. આ પ્રતિમા કોણે અને ક્યારે મૂકી તેની કોઈ વહીવટી તંત્રને જાણ ન હતી. આજે જ્યારે આ અંગે ખબર પડતાં જ વહીવટી તંત્ર તપાસમાં જોતરાયું હતું.

આ રીતે બિરસા મુંડાની પ્રતિમા સ્થાપના કરવામાં આવતા સોશ્યલ મીડિયા પર પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાકે આ સ્થાપના બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે સ્થાપના બાબતે કોઈ વિરોધ નથી, પરંતુ જે રીતે મૂકવામાં વી છેે તે રીત યોગ્ય ન હોવાનું જણાવ્યુ હતું. સ્થળ પર કોઈ પણ પ્રકારની તકતી પણ લગાવવામાં આવી નથી. આદિવાસી દિવસે જ આ ઘટના બનતા સમગ્ર પ્રકરણ ચર્ચાસ્પદ બન્યું હતું.

આ અંગે બારડોલી એસડીએમ જીજ્ઞા પરમારે જણાવ્યુ હતું કે, પ્રતિમા કોણે મૂકી તે જાણી શકાયું નથી. હાલ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Related Articles

Back to top button