નવસારીના ચીખલીમાં આવેલા સુરખાઈ ગામે સૌપ્રથમ વાર ત્રણ દિવસ માટે ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરની શરૂઆત થઈ

નવસારીના ચીખલીમાં આવેલા સુરખાઈ ગામે સૌપ્રથમ વાર ત્રણ દિવસ માટે ઐતિહાસિક ટ્રાયબલ ટ્રેડ ફેરની શરૂઆત થઈ.
કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોર સહિત વલસાડના સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા હતા. આદિવાસી યુવાનો સ્કીલ બેઝ વ્યવસાયિક સફળતા મેળવવા સાથે નોકરીની વિપુલ તકોનો લાભ લે તેમજ ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે ક્યાંથી શરૂઆત કરે તેવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આ ટ્રેડ ફેરમાં મોટી સંખ્યામાં યુવાનોએ મુલાકાત લીધી છે.
આ કાર્યક્રમમાં સરકારના વિવિધ એકમો દ્વારા માર્ગદર્શન માટે ખેતીવાડી,બાગાયતી પ્રાકૃતિક ખેતી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આદિજાતિ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ,Triefed, બેન્કના બોર્ડ વગેરે એકમોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા છે, અને તેમના દ્વારા નાણાકીય જોગવાઈ કેવી રીતે મેળવી શકાય, તે અંગેનો વ્યાપાર ધંધામાં આગળ વધવા માટે આયોજન, માર્ગદર્શન અને તાલીમ પણ આપવાની શરૂઆત થઈ છે. આજથી શરૂ થયેલો ત્રણ દિવસિય આ ટ્રાયબલ ટ્રેડ ફેરમાં નવ–યુવાનોમાં ઉત્સાહ અને મેળામાં મુલાકાત લેવા આશરે 50,000થી વધુ લોકો ઉપસ્થિત રહેશે તેમજ આયોજકો દ્વારા 240થી વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની પ્રાચીન સંસ્કૃતિ એવી સાંજે વિવિધ સંસ્કૃતિને આધીન ઘેરીયા નૃત્ય, માદળનૃત્ય, તારપા નૃત્ય, કાહળી, તુર તેમજ ડાંગી નૃત્ય પણ જોવા મળશે.
આ આદિવાસી વ્યાપાર મેળો મેગા ટ્રાઈબલ ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કરી કુબેરભાઈ ડીંડોર, આદિજાતિ અને શિક્ષણમંત્રીના હાથે ખુલ્લુ મુકાયું છે, જેમાં પ્રેરક ઉપસ્થિતિ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ હાજર રહ્યા છે.
વલસાડના સાંસદ ધવલ પટેલ જણાવે છે કે, ચીખલીના સુરખાઈ ખાતે અમારા આદિવાસી સમાજ દ્વારા રાષ્ટ્રીય ટ્રાયબલફેરનું આયોજન કરવામાં આવ્યું છે, અમારા પાર્ટીના ધારાસભ્યો મંત્રીઓ અને યુવાનો અહીં હાજર છે. ત્રણ દિવસ આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે, 240 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં આદિવાસી સંસ્કૃતિ દર્શાવવામાં આવશે અલગ અલગ બિઝનેસ આઈડિયા વિશે ચર્ચા કરવામાં આવશે, આદિવાસી યુવાનોને સ્કીલ બેઝડ ટ્રેનિંગ કઈ રીતે કરાવીએ તેની માહિતી અહીંથી મળશે. 15મી નવેમ્બર ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ છે. તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ભારતમાં ટ્રેનિંગ શરૂ કરવા માટે એક અભિયાન શરૂ કરવાના છે. આદિવાસી સમાજના યુવાનો હવે ડિજિટલ ક્ષેત્રમાં પણ આગળ વધ્યા છે નાના-મોટા બિઝનેસમાં પણ આગળ વધી રહ્યા છે.
મંત્રી કુબેર ડીંડોર જણાવે છે કે, આદિવાસી સમાજની સંસ્કૃતિની ઓળખ વધુ પ્રસ્થાપિત કરવા માટે સ્ટોલ બનાવવામાં આવ્યાં છે. ઉમરગામથી અંબાજી સુધીના આગેવાનો અને યુવાનો અહીં આવ્યાં છે. લગભગ 240 જેટલા સ્ટોલ અહીં ઊભા કરવામાં આવ્યાં છે. ભારતીય સંસ્કૃતિ કળા લઘુ ઉદ્યોગ વધુ આગળ વધે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર યુવાનોને પ્રોત્સાહન આપી રહી છે. આદિવાસી વિરાસત વધુ શિક્ષણ મેળવીને આત્મ નિર્ભર બને એવા અમારા પ્રયાસો છે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી છે કે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી રહી છે. તેમણે સુરતની દીપક ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટનો ઉલ્લેખ કર્યો, જેનું રજીસ્ટ્રેશન નંબર 7313 છે અને તેમાં કમલા મેડિકલ સેન્ટર ચલાવે છે, જે ફ્રોડ છે.
આ સંસ્થા સુરત, નર્મદા, તાપી, રાજપીપળા, કર્ણાટક અને બેંગલોરમાં કેન્દ્રો ચલાવે છે. આદિવાસી વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ લીધો હતો અને ફ્રી શિપ કાર્ડની અરજી આવી હતી. હવે આદિજાતિ વિભાગ અને આદિવાસી સમાજ દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવશે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આદિવાસી વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે તેઓ યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશન (UGC) દ્વારા માન્યતા પ્રાપ્ત અને એફિલીએશન ધરાવતી યુનિવર્સિટીમાં જ એડમિશન લેવાનું આગળ રાખે તે જરૂરી છે




