
દેડિયાપાડામાં જંગલની જમીનમાં ખેડાણના મામલે વનકર્મીઓ પર હુમલો કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવેલાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શંકુતલાની તબિયત લથડતાં સારવાર માટે રાજપીપળાની સિવિલમાં ખસેડવામાં આવી છે. પોલીસ ફરિયાદ નોંધાયાના ચોથા દિવસે પણ ધારાસભ્ય હજી ફરાર છે.
શંકુતલા વસાવાની ખબર લેવા માટે આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ આવ્યાં હતાં. વનકર્મીઓ પર હુમલા કેસમાં શંકુતલા વસાવા સહિત 3 આરોપીની ધરપકડ કરી તેમને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલાયાં હતાં. દરમિયાન શંકુતલાની તબિયત બગડતાં તેને સારવાર માટે રાજપીપળાની સિવિલમાં ખસેડવામાં આવી છે. તેમની ખબર લેવા માટે આપના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, હું રાજકારણ માં રહી ડબલ રોલમાં આવી શકું છું ટાઇગર અભી ડરા નહિ.
ચૈતર વસાવા સામે ભાજપના ઇશારે પોલીસે ખોટો કેસ દાખલ કર્યો છે. ચૈતર વસાવા નિર્દોષ છે અને ટૂંક સમયમાં હાજર પણ થશે. ચૈતર વસાવા સામે ફરિયાદ કરવા માટે ભાજપના કયા નેતાના ફોન આવ્યા હતાં તે જાહેર થવું જોઇએ. પોલીસે સરકારના દબાણમાં આખો કેસ ઉભો કર્યો છે.




