મહુવા

મહુવાના તરસાડીમાં CNG પંપ પર ગેસ નોઝલ છૂટી પડતાં ઈકો ચાલકને મોઢા પર ગંભીર ઈજા

મહુવા તાલુકાના તરસાડી ગામમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. બારડોલી હાઈવે પર આવેલા CNG પંપ પર એક ઈકો કાર ચાલક ગેસ ભરાવવા આવ્યો હતો. ગેસ ભરતી વખતે અચાનક CNG કિટમાંથી નોઝલ છટકી જતાં ચાલકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

CNG પંપના કર્મચારીએ ઈકો કારમાં નોઝલ લગાવીને અન્ય વાહનમાં ગેસ ભરવા માટે જતો રહ્યો હતો. આ દરમિયાન કાર ચાલક વાહનની નજીક ઊભો હતો. અચાનક રોકેટ ગતિએ નોઝલ CNG કિટમાંથી છૂટી પડી અને ચાલકના મોઢા પર વાગી હતી. આ ઘટનામાં ચાલક લોહીલુહાણ થઈ ગયો હતો.

ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક અસરથી ઘાયલ ચાલકને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમના મોઢા પર આઠ ટાંકા લેવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં મહુવા પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Related Articles

Back to top button