કોસંબા ટાઉન ખાતેથી પોલીસે ખૂનની કોશિશ તેમજ આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઝડપ્યો

માંગરોળ તાલુકાના કોસંબા ટાઉન ખાતેથી પોલીસે ખૂનની કોશિશ તેમજ આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીનું નામ સોહેલ શોકત પઠાણ ઉર્ફે ભયલો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ.કે સ્વામીએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કોસંબા પોલીસ મથકના માણસોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. જેણે લઈને કોસંબા પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને બાતમીદારોને કામે લગાડી દીધા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કોસંબા ટાઉનમાં મોટા મંદિર રોડ પર આવેલી શિવ કૃપા હોસ્પિટલની સામેના રોડ પર કોસંબા પોલીસ મથકે નોંધાયેલા ખૂનની કોશિશ તેમજ આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાનો આરોપી સોહેલ શોકત પઠાણ ઉર્ફે ભયલો ઉભો છે. જે બાતમીના આધારે કોસંબા પોલીસે આ ઇસમને ઝડપી લીધો હતો અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલો ઇસમ છેલ્લા 6 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો.




