ડાંગ જિલ્લામાં વિવિધ પરંરાગત વેશભુષા અને નૃત્યો સાથે આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

સંયુક્ત રાષ્ટ્રસંઘની ઘોષણા અનુસાર દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે. વર્તમાન સમયમાં જન જાતિની ઓળખ અને તેમના હક્કો માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર ડાંગ જિલ્લા સહિત વઘઈ ખાતે પણ બીરસા મુંડા મેદાન ખાતેથી વઘઇ નગર થઈ આદિવાસીબંધુઓએ પોતાની પરંપરાગત વેશભુષામાં સજ્જ થઇને નૃત્ય ગાન, વાજીત્રોની સુરાવલીઓ સાથે વઘઇ મેઈન બજાર સુધી આ સાંસ્કૃતિક રેલી પહોંચી હતી. રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા. ત્યારબાદ સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો દ્વારા પારંપરિક વાંજીત્રો, ડી.જે બેન્ડના સથવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહારેલી વઘઇ નગરમાં ફરી હતી જેમાં લોકો મન ભરીને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા જય જોહાર, જય આદિવાસીના નારા લગાવી વાતાવરણને ગુંજાવ્યું હતું.
આ મહારેલી રાજેન્દ્રપુરના બિરસામુંડા મેદાનથી નિકળી વઘઇ સર્કલે પહોંચી હતી. ત્યારબાદ ભવ્ય ઉજવણી સાથે વઘઇ મેઈન બજારમાં પૂર્ણ થઈ હતી. આ મહારેલી પ્રસંગે વિવિધ સ્થળોએ અન્ય સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન આદિવાસી સમાજ દ્વારા એકતા, ભાઈચારા સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમાજના આગેવાનો, વડિલો, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આદિવાસી નૃત્યો સાથે યોજાઈ ભવ્ય રેલી
જ્યારે આહવા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આહવાના કાર્યક્રમ પૂર્વે ગાંધી ઉદ્યાન ખાતેથી આદિવાસી નૃત્યો સાથેની એક વિરાટ રેલી નિકળી હતી. આ રેલીને મહાનુભાવોએ પ્રસ્થાન કરાવી આહવા નગરના માર્ગો ઉપર આદિવાસી વાજિંત્રોની સુરાવલીઓ સાથે નૃત્યોની મોજ પણ માણી હતી. આ રેલી ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે સભાના રૂપમા ફેરવાઈ હતી. સભાસ્થળે મહાનુભાવોએ બિરસા મુંડા તથા આદિવાસી સમાજના દેવી દેવતાઓનુ પૂજન અર્ચન કર્યું હતુ. આયોજકો અને યજમાનોએ મહાનુભાવોને સાફા પહેરાવી તીર કામઠા અર્પણ કરી અદકેરુ સ્વાગત કર્યું હતુ.
ડાંગ જિલ્લાના ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી, આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસની ઝાંખી રજૂ કરી પ્રકૃતિને પૂજતા આદિવાસી સમાજની પ્રગતિનો ચિતાર રજુ કર્યો હતો.
આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી કાર્યક્રમમા રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, આહવા અને વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખઓ, સંગઠનના હોદ્દેદારો, તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યો, સામાજિક અગ્રણીઓ, આદિવાસી સમાજના મોભીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.




