ભરૂચ જિલ્લામાં કુલ 86.50 કિલોમીટરના રસ્તાનું સમારકામ કરી ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા કર્યા

જીલ્લામાં ચોમાસાએ તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ નહીં પડ્યો હોવા છતાં હજુ પણ રાજ્યના 95 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે. ગુજરાતમાં હાલ 7 સ્ટેટ હાઈવે માં વાહન વ્યવહાર શરૂ થયો નથી. ભરૂચ જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગના તમામ રસ્તાઓ ચાલુ કરી દેવામાં આવ્યા છે.
ચોમાસા દરમિયાન 8 થી વધુ રસ્તા નદીના પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યા હતા. અંદાજે 86.50 કિલોમીટરના રસ્તાને નુકસાન પહોંચ્યું હતું. વરસાદ બંધ થતાં નદીના પાણી ઓસર્યા બાદ માર્ગ અને મકાન વિભાગે રસ્તાનું સમારકામ કરવાની કામગીરી ચાલુ કરી હતી. જેમાં રસ્તાનું રીસરફેસિંગ અને મેટલથી સમારકામ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના રસ્તાઓ બંધ થયાના ચાર દિવસની અંદર ફરી ચાલુ કરી દેવામાં આવ્યા હતા.રાજ્ય ધોરી માર્ગનો વાલિયા વાડી રોડ સૌથી વધુ સમય માટે બંધ રહ્યો હતો. રસ્તાઓ બંધ થવાથી વૈકલ્પિક સુવિધા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા હતા. સાથે પંચાયત વિભાગના પણ 47 રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. તે પણ એક સપ્તાહની અંદર ફરી ચાલુ કરી દેવામાં આવ્યા હતા. આમ જિલ્લામાં હાલ રાજ્ય ધોરી માર્ગ અને પંચાયત વિભાગના તમામ રસ્તા ચાલુ કરી દેવામાં આવ્યા છે.




