કવોરી હડતાળના કારણે નવસારી જિલ્લાના 240 કરોડથી વધુના રસ્તાના કામો હાલ ટલ્લે ચઢ્યા

કવોરીની હડતાળને લઇ નવસારી જિલ્લામાં 240 કરોડથી વધુના રસ્તાના કામો હાલ ટલ્લે ચઢ્યા છે. ચોમાસાની મોસમમાં ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં આવેલ રસ્તાઓને ભારે અસર થઈ હતી. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના રસ્તાઓ પર પણ ખાડા પડ્યા હતા. હવે જ્યારે ચોમાસુ બંધ થઈ રહ્યું છે અને રસ્તાના નવા કામો શરૂ કરવાની તૈયારી થઈ રહી હતી ત્યાં ઘોંચ પડી છે. જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યનો કવોરી ઉદ્યોગ હડતાળ ઉપર બે દિવસથી અચોક્કસ મુદત માટે ઉતરી ગયો છે, જેને લઇને રસ્તાના કામ માટે ખૂબ જરૂરી મટિરિયલ મળી શકશે નહીં અને રસ્તાના શરૂ થનાર કામો હાલ તો ટલ્લે ચઢ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં જે રોડનું નેટવર્ક છે તેમાં ગ્રામ્ય વિસ્તારના પંચાયત હસ્તકના માર્ગ, કેટલાક રાજ્ય ધોરીમાર્ગ, નેશનલ હાઇવે અને શહેરી વિસ્તારના પાલિકા હસ્તકના માર્ગોનો સમાવેશ થાય છે. સૌથી મોટું રોડ નેટવર્ક ગ્રામ્ય પંચાયતના માર્ગોનું છે ત્યારે કવોરી ઉદ્યોગની હડતાળના કારણે તેની ઉપર વિપરીત અસર થશે. અંદાજે 165 કરોડથી વધુના માર્ગ ગ્રામ્ય વિસ્તારમાં બનાવવાનું આયોજન છે. રાજ્ય ધોરમાર્ગ અંદાજે 70 કરોડથી વધુના તથા જિલ્લાના 3 શહેર નવસારી, બીલીમોરા અને ગણદેવીમાં પણ 7 કરોડથી વધુના માર્ગ આગામી દિવસોમાં બનાવવાનું આયોજન છે.
આમ કુલ 240 કરોડથી વધુના રોડ આગામી દિવસોમાં બનનાર છે. નવસારીના ખાડા નવરાત્રિમાં યથાવત ચોમાસામાં ભારે વરસાદના કારણે નવસારી શહેરના ઘણા માર્ગો પર ખાડા પડ્યા છે. વરસાદ સપ્ટેમ્બર સુધી જારી જ રહેતા ખાડા પૂરવાનું કામ સાધારણ જ કરી શકાયું નથી,પૂરતું પેચવર્ક કરાયું નથી. હવે વરસાદ બંધ થતાં પાલિકા ખાડા પૂરવા તથા માર્ગના નવિનીકરણ કરનાર હતી ત્યાં કવોરીની હડતાળ પડી છે. જેને લઇને હવે નવરાત્રિમાં ખાડા પૂરી શકાશે નહીં એમ લાગી રહ્યું છે.




