બિરસા મુંડા યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં અન્યાયનો આરોપ

રાજપીપળાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં તાજેતરમાં જાહેર થયેલી ભરતી પ્રક્રિયામાં અનામત વર્ગો સાથે ગંભીર અન્યાય થયો હોવાનો મુદ્દો સામે આવ્યો છે. યુનિવર્સિટી બચાવ સમિતિએ નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.
યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની કુલ 44 જગ્યાની ભરતી જાહેરાત કરવામાં આવી છે. જેમાં 32 જગ્યાઓ સામાન્ય વર્ગ માટે ફાળવવામાં આવી છે, જ્યારે માત્ર 7 જગ્યાઓ SEBC, 3 આદિવાસી, 1 SC અને 1 EWS માટે રાખવામાં આવી છે. આદિવાસી આગેવાન પ્રફુલ વસાવાએ જણાવ્યું કે આ ફાળવણી અનામત વર્ગો સાથે સ્પષ્ટ અન્યાય દર્શાવે છે.
બચાવ સમિતિએ આરોપ મૂક્યો છે કે યુનિવર્સિટી આદિવાસી, SC, OBC અને આર્થિક રીતે નબળા વર્ગોને નોકરીમાંથી વંચિત રાખવાનું ષડયંત્ર રચી રહી છે. આ મુદ્દે સમિતિએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર મોકલ્યું છે.
સમિતિની મુખ્ય માગણીઓમાં વર્તમાન ભરતી પ્રક્રિયા તાત્કાલિક રદ કરવી, યુનિવર્સિટીના નિયમોમાં ફેરફાર કરી નવી રોસ્ટર પદ્ધતિ અપનાવવી અને વહીવટી વડા તરીકે આદિવાસી સમુદાયમાંથી રજિસ્ટ્રારની નિમણૂક કરવાનો સમાવેશ થાય છે. આ પગલાં દ્વારા અનામત વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




