વાંકલ મુખ્ય માર્ગ પર ધોળીકુઈ પાસે ટ્રક ડમ્પર ચાલકે સિગ્નલ લાઈટ ચાલુ નહીં કરતા અથડાયેલા બાઈક ચાલકનું મોત

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ નજીક મુખ્ય માર્ગ પર ધોળીકુઈ ગામના પાટીયા પાસે રાત્રિ દરમિયાન ઊભેલી ટ્રકની સિગ્નલ લાઈટ ચાલુ ન હોવાને કારણે બાઇકચાલક યુવક ટ્રક પાછળ ભટકાતા તેનું ઘટનાસ્થળે મોત હતું.
ઝંખવાવ કોસંબા રાજ્ય ધોરી માર્ગ પર વાંકલ નજીક આવેલ ધોળીકુઇ ગામના પાટીયા પાસે વારંવાર અકસ્માતો થતા ઘણા વાહનચાલકોના મોત નીપજ્યાં છે અને વધુ એક અકસ્માત હાલ બન્યો છે. ગત રાત્રિ દરમિયાન ટ્રક ડમ્પર G.J.16 A W 6565ના ચાલકે રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ ટ્રક ઉભી રાખી હતી.
આ સમયે સિગ્નલ લાઈટો, એડેપ્ટર અથવા કોઈપણ પ્રકારની આડસ મૂકી ન હતી. જેને કારણે પાછળથી આવી રહેલા બાઇક ચાલકને ટ્રક નહીં દેખાતા ટ્રકના પાછળના ભાગે બાઈકચાલક ઘૂસી જતા ચાલકનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા સ્થાનિકો મદદ દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે ઈજાગ્રસ્ત યુવકને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વધુ ઇજાઓને કારણે બાઇકચાલક યુવકનું મોત નીપજ્યું હતું.
આ યુવકની ઓળખ થતા તેનું નામ સુમિતભાઈ રવિન્દ્રભાઈ ચૌધરી ઉંમર વર્ષ 26 રહે દેવગઢ અંધારવાડી ગામ તાલુકો માંડવી જિલ્લો સુરતનો વતની હતો. મોટા મિયા માંગરોળ ખાતે ભરાતા ઉર્સ મેળાની મજા માણવા માટે રાત્રે જઈ રહ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતના ગુના સંદર્ભમાં પિતા રવિન્દ્રભાઈ સેવાભાઈ ચૌધરીએ માંગરોળ પોલીસ મથકમાં અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રકચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.



