વ્યારા દૂધ મંડળીમાં 2 જુથો વચ્ચે વિવાદ વકરતા જિલ્લા રજીસ્ટાર દ્વારા કસ્ટોડિયન મુકવાનો હુકમ

વ્યારા નગરમાં આવેલી દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ સર્જાઇ રહ્યો છે સામાન્ય સભા પણ બે પક્ષો દ્વારા અલગ અલગ યોજતા વિવાદ વધુ વકર્યો હતો. જે અંગે જિલ્લા રજીસ્ટરમાં ફરિયાદ થતાં જિલ્લા રજીસ્ટર દ્વારા વ્યારા નગરની દૂધ મંડળીમાં કસ્ટોડિયનની નિમણૂક કરાઇ છે.
વ્યારા નગરમાં આવેલી વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં વહીવટને લઇ કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સભાસદોમાં પણ ફાંટા પડ્યા હતા.દાણની વહેચણી બાબતે પણ વિવાદ થયો હતો. ગત તા.27મી જૂન 2024 ના રોજ હાલના વ્યવસ્થાપક સમિતિની 5 વર્ષની મુદ્દત પૂર્ણ થઇ હતી. જેથી વ્યારા સરિતા નગરના હોલમાં ગત તા.29 મી સપ્ટેમ્બર 2024 ના રોજ નવી વ્યસ્થાપક કમિટીની રચના માટે વાર્ષિક સાધારણ સભા બોલવામાં આવી હતી.જેમાં સભાના અધ્યક્ષ માટે સભાસદો માંથી પ્રવીણ નમલાભાઇ ગામીત તથા મનીષ ભગુભાઈ ઢોડિયા નામની બે દરખાસ્ત આવી હતી.જે માટે માન્યતા મેળવવા જરૂરી પ્રકિયા કરવામાં ન આવતા કાયદેસરની સામાન્ય સભા થઈ ન હતી.તેમ છતાં બંને પક્ષો દ્વારા મનસ્વીપણે સભા કરવામાં આવી હતી.જે સભાના કોઈ પણ જાતના ઠરાવ બુક માં કરવામાં આવ્યા ન હતા.જેથી મંડળીના મંત્રી કમલેશ પટેલે જિલ્લા રજિસ્ટ્રારને વિવાદ બાબતે લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યું હતું કે,મંડળીમાં 80 ટકા બિનસભાસદો દૂધ ભારે છે.તે સંખ્યા મોટી હોવાથી સાધારણ સભા ની ઠરાવ બુકમાં ખોટી સહીઓ થવાની શક્યતા રહે છે.અને બંને પક્ષો દ્વારા મંત્રી પર પોત પોતાની બનાવેલી ઠરાવ બુકમાં ઠરાવ કરવા દબાણ કરવામાં આવતું હોવાથી મંત્રીએ જરૂરી માર્ગદર્શન કરવા જણાવ્યું હતું.વધુમાં કમિટીની મુદ્દત પૂરી થઈ હોય,સુમુલ દ્વારા સભાસદોને દૂધ હિસાબની ચુકવણી માટે રૂ.52,99,505 મોકવામાં આવ્યા હોય, કાયદેસરની વ્ય્વસ્થાપક કમિટી કે પ્રમુખ વગર પેમેન્ટ કરવું મુશ્કેલ હોવાથી તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.અને સભાસદો દ્વારા પણ કાયદાકીય રીતે ચૂંટણી કરવાની માંગ થઈ હતી.જેથી સભાસદો નો વિરોધ, અને વિવાદને પગલે આગળ કોઈ ચૂંટણી પ્રક્રિયા ન થાય, ત્યાં સુધી તાપી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કસ્ટોડિયન મૂકવાનો હુકમ કર્યો છે. તથા મંડળીના સાધારણ સભા ની કાર્યવાહી નોંધ, ઠરાવ બુક, 5 વર્ષના તમામ રેકોર્ડ કચેરીમાં જમા કરવા મંત્રીને જણાવ્યું છે. જોકે કસ્ટોડિયન મૂકવા માટે હુકમ થતાં, સભાસદોમાં નાણાંકીય ચુકવણું વહેલું થાય તે માટે તાત્કાલિક ધોરણે કસ્ટોડિયનની પણ નિમણુક થાય એવી માંગ ઉઠી છે.




