તાપી

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચિમેર, કણજી ગામે અને સોનગઢ નગર ખાતે ‘વન સેતુ ચેતના યાત્રા’નું આગમન

સમગ્ર રાજ્યમાં આજથી પ્રારંભાયેલી ‘વન સેતુ ચેતના યાત્રા’નો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે. ત્યારે યાત્રા તેના પ્રથમ દિવસે સાંજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચિમેર અને ત્યારબાદ કણજી ગામ તથા સોનગઢ નગર ખાતે પહોંચતા, તાપી જિલ્લા તંત્ર સહિત ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ રાજ્ય મંત્રી, અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલ અને આદિજાતી વિભાગના મંત્રી કુંવરજીભાઇ હળપતિની આગેવાની હેઠળ તથા 23-બારડોલી મતવિસ્તારના સાંસદ પ્રભુભાઇ વસાવા, ધારાસભ્ય ડૉ.જયરામભાઇ ગામીત અને જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચિમેર ગામ ખાતે ‘વન સેતુ ચેતના યાત્રા’નો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય દરેક લોકોને વન સાથે જોડવાનો છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સને 2023-24ના વર્ષમાં રૂ.47,000 કરોડની જોગવાઈ કરી છે. આદિમજૂથના લોકોને પીએમ જનમન યોજના થકી 27 હજાર પરિવારોને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા અને તાપી જિલ્લા વહીવટી તંત્રની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે. આદિવાસી પ્રજા દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની વસ્તુઓને રાજ્ય અને રાષ્ટ્ર સ્તર સુધી પહોચાડવા વેચાણ માટેની સુદ્રઢ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે એમ તેમણે ઉમેયું હતું.

સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાન દ્વારા ગત 14થી આગામી 22મી જાન્યુઆરી સુધી તમામ તિર્થ સ્થળો અને મંદિરો ખાતે સ્વચ્છતા અભિયાનને ઝુંબેશરૂપે ઉપાડી છે. ત્યારે તાપી જિલ્લામાં પણ સૌ કોઇને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. મંત્રીએ ઉમેર્યું હતું કે, શ્રી રામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે. 500 વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોઇ ત્યારે આગામી 22મીએ આપણા રાજ્ય સહિત તાપી જિલ્લામાં દિવાળી જેવા મહોત્સવની ઉજવણી કરવાની છે, એમ ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો હતો.

આ સાથે કાર્યક્રમમાં સોનગઢ તાલુકાની ડીએલએસએસની વિદ્યાર્થીનીઓ જેમણે રાજ્ય કક્ષાએ વિવિધ સ્તરોએ વિજેતા બની તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે, તેઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

યાત્રાના સ્વાગત પ્રસંગે આદિવાસી ઢોલ નગારાના તાલે મહાનુભાવો આદિવાસી નૃત્યમાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરજભાઇ વસાવા, ડીસીએફ આનંદ કુમાર, પ્રાંત અધિકારી સાગર મોવાલીયા સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button