તાપી

સોનગઢ તા.પંચાયતના કોંગ્રેસના સભ્યને કપડાં ફાડી, વાળ કાપી મહિલાને બેરહેમીથી મારી

અનૈતિક સંબંધનો આરોપ મૂકી હિંસક હુમલો

સોનગઢ તાલુકા પંચાયતની કોંગ્રેસની મહિલા સભ્યને ગતરોજ રાણીઆંબા રેલવે ફાટક પાસે બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મહિલા ​​​​​સભ્યના વાળ કાપી, લાકડી અને હોકી સ્ટિકથી માર મારવામાં આવ્યો હતો. મહિલા સભ્ય પર અનૈતિક સંબંધનો આરોપ મૂકી જીવલેણ હુમલો થતા કાયદો-વ્યવસ્થાને લઇને સવાલો ઉઠ્યા છે.

મહિલા પર અનૈતિક સંબંધનો આરોપ મૂકી ઢોર માર માર્યો

19 ઓક્ટોબરે બપોરના સમયે સોનગઢ તાલુકા પંચાયત કચેરીએ સામાન્ય સભા પૂરી થતાં મહિલા સભ્ય પોતાની નાની દીકરી સાથે એક્ટિવા પર પોતાના ઘરે જવા નીકળી હતી. ત્યારે એક ટોળું સોનગઢના બરડીપાડા રોડ પરના રાણીઆંબા ફાટક પાસે આ મહિલા સભ્યને ઘેરી વળ્યું હતું. આ ટોળામાં અનૈતિક સંબંધનો આરોપ મૂકનારી પત્ની, પુત્ર સહિતના આઠથી દસ જેટલા સભ્યો પૈકી કેટલાક શખસો હતા, જેઓ હોકી, લાકડી સાથે આવ્યા હતા.

મારામારીનાં દૃશ્યો સર્જાયાં

આ ટોળાએ મહિલા સભ્યની જાહેરમાં ધોલાઈ કરી વાળ કાપી નાખ્યા હતા. હોકી, લાકડાં જેવાં હથિયારોથી બેરહેમીથી ઢોર માર માર્યો હતો. જાહેરમાં મારામારીનાં દૃશ્યો સર્જાયા હતાં, પણ મહિલા સભ્યને બચાવવા કોઇ આગળ આવ્યું ન હતું. મહિલા સભ્યને લોહીલુહાણ હાલતમાં સોનગઢમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વ્યારા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ આ મહિલાની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

‘હોકી-લાકડાના દંડા વડે હાથ-કમરના ભાગે માર માર્યો’

આ બાબતે ભોગ બનનાર મહિલાએ હકીકત જણાવતા કહ્યું હતું કે, ગઈકાલે હું સોનગઢ તાલુકા પંચાયતમાં સામાજિક કાર્યક્રમમાં ગઈ હતી. ત્યારબાદ ત્યાંથી બીજા કામે મારી દીકરી સાથે ઘરે જવા રવાના થઈ હતી. ત્યારે રસ્તામાં 6થી 7 જેટલા લોકોએ મને ઉભી રાખી કંઈ કીધા વગર મારવા લાગ્યા હતા. આજથી 3 દિવસ અગાઉ મારા પર એક છોકરાનો ફોન આવ્યો હતો. જેમાં ‘તને જાનથી મારી નાખીશ, તને જીવતી નહિ રેહવા દઉં’ એવી ધમકી આપી હતી. ત્યારબાદ મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું વિચાર્યું હતું, પરંતુ ફરિયાદ આપી નહોતી અને ગઈકાલે મને હોકી-લાકડાના દંડા વડે હાથના તેમજ કમરના ભાગે માર માર્યો હતો. સાથે મારા કપડા ફાડી વાળ કાપી નાખ્યા હતા.

વધુમાં ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે, આ કૃત્ય શોભનાબેન નામની મહિલા અને તેના પુત્રએ કર્યું છે. મારી સાથે મારામારી કરી મારા હાથમાં 3 જેટલા ફેક્ચર કરવામાં આવ્યા છે. જેથી મેં પોલીસ ફરિયાદ કરેલ છે.

આ મામલે સોનગઢ પોલીસે શોભનાબેન લાલસિંગ ગામીત (રહે. કોસંબિયા વાલોડ), શોભનાબેનનો પુત્ર તેમજ તેમની સાથે આવેલ અન્ય બે સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

‘તું મારા પતિ સાથે કેમ સબંધ રાખે છે’ એમ કહી માર માર્યો

આ સમગ્ર ઘટના અંગે તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, ફરિયાદી મહિલા પોતાની દીકરી સાથે એકટીવા મોપેડ પર જતા હતા ત્યારે આરોપી શોભનાબેન અને તેમના દીકરા સાથે અન્ય બે સ્ત્રીઓ આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે, “તું મારા પતિ સાથે કેમ સંબંધ રાખે છે” એમ કહી ગાળો આપી. શોભનાબેનના દીકરાએ તેની ફોર વ્હિલરમાંથી લાકડાના દંડો કાઢી ભોગ બનનાર મહિલા પર હુમલો કરી મહિલાના કમરના ભાગે અને કપાળના ભાગે ઇજા પહોંચાડેલ અને હાથના ડાબા ભાગે ભોગ બનનાર મહિલાને ફેક્ચર કરી માર માર્યો હતો. સાથે અન્ય બે મહિલાઓએ ભોગ બનનાર મહિલાને પકડી રાખી આરોપી શોભનાબેને ભોગ બનનાર મહિલાના માથાના વાળ કાપીને સોનાના પેન્ડલ ઝૂંટવીને ગુનો આચર્યો હતો. જેમાં પોલીસે એક આરોપી શોભનાબેનના દીકરાને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button