વઘઇમાં હોટલ પર બે યુવકોએ બબાલ કરતાં હોટલ માલિકે બંને યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ડાંગ જિલ્લાનાં વઘઇમાં આવેલી હોટલ પર બે યુવકોએ બૂમાબૂમ કરતા હતા ત્યારે હોટલ માલિકે બૂમાબૂમ કરવાની ના કહેતા બન્ને યુવકોએ બબાલ કરી હતી અને કાઉન્ટર પર લગાવેલો કાચ તોડી નાંખ્યો હતો. આ મામલો વઘઇ પોલીસ મથકે પહોંચ્યો હતો. વઘઈના નાકા ફળિયા જીઇબી ઓફિસની સામે વિજય હોટલ રેસ્ટોરન્ટ આવેલી છે, જે ગણપતિ વિસર્જનનાં રોજ પણ રાબેતા મુજબ ચાલુ હતી. વઘઇમાં રહેતા પીન્ટુ ઉર્ફે સોમનાથ ગાયકવાડ (ઉ.વ.38) અને ઢોલુ દિલીપભાઈ પટેલ (ઉ. વ.39) વિસર્જનના રોજ રાત્રિના દસ વાગ્યાનાં અરસામાં હોટલ પર આવ્યા હતા. આ બંને યુવકો જોરથી બૂમાબૂમ તથા રાડો પાડતા હતા. જેથી હોટલ માલિક ભરત મિસ્ત્રીલાલ ભાટીએ પીન્ટુને કહ્યુ હતું કે,”હોટલ પર ગ્રાહકો છે જેથી તમે હોટલ પર બૂમાબૂમ અને દેકારો નહીં કરો’ ત્યારે ઢોલુએ હોટલ માલિકને અપશબ્દ બોલવા લાગ્યો હતો. પીન્ટુએ ઢોલુને કહ્યું હતું કે,”આ હોટલના કાઉન્ટર ઉપર લાગેલ કાચ તોડી નાંખ’ એમ કહેતા ઢોલુએ કાઉન્ટરનો કાચ તોડી નાખ્યો હતો અને નુકસાન પહોંચાડ્યું હતુ. જે બાદ હોટલ માલિક ભરતભાઈએ પીન્ટુને કહ્યું હતું કે, “તમારી અમારી સાથે શું બબાલ હતી કે તમે અમારી હોટલનો કાઉન્ટરનો કાચ તોડી નાખ્યો ?’ જોકે આ યુવકો અપશબ્દો બોલતા હતા અને ત્યારબાદ તેઓ પોતાની એક્સેસ મોપેડ પર સવાર થઈને ત્યાંથી જતા રહ્યાં હતા. હોટલ માલિક ભરતકુમાર ભાટીએ વઘઈ પોલીસ મથકે બન્ને યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વઘઇ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



