માંગરોળમાં પત્નિના આડા સંબંધની શંકામાં પતિ સહિત ચાર શખ્સોએ બે ભાઈઓ અને માતા પર લાકડીઓ વડે કર્યો જીવલેણ હુમલો

માંગરોળના નવી નગરી ફળિયામાં પતિની શંકાશીલ પ્રવૃત્તિએ એક પરિવારને લોહીલુહાણ કરી નાખ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અનિલ વસાવાને તેની પત્ની અને મનોજ વસાવા વચ્ચે આડા સંબંધની શંકા હતી. આ શંકાના આધારે અનિલે તેના ત્રણ મિત્રો – રમેશ પુનિયા, અજય રમેશ અને નિતેશ સુપડ વસાવા સાથે મળીને હુમલો કર્યો હતો.
અનિલે પહેલા ઝીનોરા ખાતે ક્રિકેટ રમી રહેલા મનોજને બેટથી માર માર્યો હતો. ત્યારબાદ આ ચારેય શખ્સો મનોજના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મનોજના ભાઈ કિશન અને માતા લતાબેન જેરામભાઈ વસાવા પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. કિશનને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને બચાવવા વચ્ચે પડેલા માતા લતાબેનને પણ લાકડીઓના સપાટા મારવામાં આવ્યા હતા.
હુમલાખોરોએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરાર થઈ ગયા હતા. લતાબેને માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ પરિવાર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.




