અમરેલી લેટરકાંડમાં પોલીસ સામે ગંભીર આક્ષેપો
પાયલ ગોટી મેડિકલ ચેકઅપ નહીં કરાવે, SITની તપાસને નકારી, માર મારવા મુદ્દે અમરેલી SP સહિતના પોલીસકર્મી સામે ફરિયાદ કરશે

અમરેલી લેટરકાંડમાં રાજનીતિ હવે ચરમસીમા પર પહોંચી ગઇ છે. પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતાં તપાસ માટે SITની રચના કરાઈ છે. જોકે, સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક SP ઓફિસમાં સંજય ખરાટને મળ્યા હતા. ત્યારબાદ પાયલ ગોટી કોઈ મેડિકલ ચેકઅપ નહીં કરાવે તેવી જાહેરાત કરી હતી. SITની ટીમ ગઇકાલે (7 જાન્યુઆરી) મોડીસાંજે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઇ જતાં કોંગેસનેતા પરેશ ધાનાણી આવી પહોંચ્યા હતા અને મોડે સુધી હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ત્યારે આજે (8 જાન્યુઆરી) ચાર વાગ્યાના અરસામાં પાયલ ગોટી એસપી ઓફિસ પહોંચી હતી, જેની સાથે વકીલ સહિત જેનીબેન ઠુમ્મર પણ હાજર છે. જિલ્લા પોલીસવડાની કચેરીમાં નિવેદન નોંધ્યા બાદ ચેકઅપ કરવાની ના પાડી દીધી હતી. જ્યારે પરેશ ધાનાણીએ એક્સ પોસ્ટ કરીને આજે રાજકમલચોકમાં ‘ચર્ચાનો ચોરો’ અને આવતીકાલથી ‘નારી સ્વાભિમાન આંદોલન’નાં પોસ્ટરો શેર કર્યાં છે.
રાતના અંધારામાં સત્ય પર પડદો પાડવાનો પ્રયાસ: ધાનાણી
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સત્ય પર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં મેડિકલ ચેકઅપના બહાને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ગમે એટલો પ્રયાસ કરશો રાતના અંધારામાં તમે સત્યની પર પડદો નહીં પાડી શકો. તમારે દિવસના અજવાળામાં પાયલના વકીલ અને પરિવારજનોની હાજરીમાં જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એ કરવી જોઇએ.
ચપટી વગાડતાં જ પટ્ટા ઊતરવા જોઈએ: ધાનાણી
મંગળવારે બપોરે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે દીકરીની ચપટી વગાડતાં ધરપકડ કરાઇ, ચપટી વગાડતાં કેસ નોંધાયો હતો, ચપટી વગાડતાં સરઘસ કઢાયુ હતું, ચપટી વગાડતાં પટ્ટા મારવામાં આવ્યા હતા તો ચપટી વગાડતાં જ જવાબદાર પોલીસકર્મીઓના પટ્ટા ઊતરી જવા જોઇએ. તંત્રએ પાપનું પશ્ચાત્તાપ કરી ગુનેગારોને સજા આપવી જોઇએ.
…તો ગુરુવારથી હું ઉપવાસ પર બેસીશ: પરેશ ધાનાણી
પરેશ ધાનાણીએ તંત્રને 24 કલાકનુ અલ્ટિમેટમ આપતાં જણાવ્યું હતું કે બુધવાર સવાર સુધીમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં નહિ લેવામાં આવે તો ગુરુવારે સવારે 10 વાગ્યે તેઓ અમરેલી શહેરના રાજકમલચોકમા ચોવીસ કલાક માટે ઉપવાસ પર બેસી જશે અને એમાં સમાજનાં દરેક જ્ઞાતિ જાતિ અને સંગઠનના લોકો જોડાશે.
દૂધે ધોયેલા હોવ તો જાહેરમાં ચર્ચા કરવા આવો: ધાનાણી
પરેશ ધાનાણીએ આ મુદે કૌશિક વેકરિયાને પણ ચેલેન્જ ફેંકતાં જણાવ્યું હતું કે તમે સાચા અને દૂધે ધોયેલા હોવ તો જાહેરમાં ચર્ચા કરવા સામે આવો. મારી કોઇ વાત ખોટી સાબિત થશે તો હું વેકરિયાની માફી માગી લઇશ અને જો વેકરિયા ચર્ચા માટે નહી આવે તો આ તમામ કાર્યવાહી ખોટી રીતે થયાનુ માની લઇશું. મુખ્યમંત્રી દાદાના રાજમાં કુંવારી દીકરીની આબરૂ લિલામ થાય ત્યારે જવાબદારો સામે પગલા લેવાવા જોઇએ જ.
પાર્ટીના નેતાઓનું માથું શરમથી ઝૂકે છે: કાછડિયા
આ મામલે મંગળવારે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ જણાવ્યું હતું કે આ બનાવથી પાર્ટીને નુકસાન તો થયું છે, પાર્ટીમાં બેઠેલા નેતાનું માથું શરમથી ઝૂકી જાય એવું આ કૃત્ય છે. હું મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને વિનંતી કરું છું કે આ બનાવમા દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઇએ.
તપાસ માટે ટીમની રચના કરાઈ
ઉલ્લેખનીય છે કે પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસે માર માર્યાના આક્ષેપ કર્યા હતા. એ બાદ અમરેલી જિલ્લા પોલીસવડાએ આ મામલાની તપાસ માટે ટીમની રચના કરી છે, જેમાં ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 2 દિવસ પહેલાં 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.
પાયલ ગોટીએ કેવા આક્ષેપ કર્યા?
પાયલ ગોટીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે શુક્રવારે હું નોકરીથી છૂટીને આવી સૂઈ ગયા પછી આગળનો દરવાજો ખખડાવ્યો. મારા પિતા ઊઠીને બહાર આવ્યા, બે લેડીઝ અને ત્રણ જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું. સવારે મૂકી જઈશું એમ કરી પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં. કોઈને હું ઓળખતી નથી, જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યાં હતાં. મારા પિતાનું શું થાય? હું જેલમાં હતી. મારાં મમ્મી-પપ્પાને સાચવવા આવ્યાં હતાં અને મેં ગુનો કર્યો જ નથી. જેનીબેન મારાં મમ્મી-પપ્પાને આશ્વાસન આપવા અને સાચવવા આવ્યાં હતાં અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને વિનંતી કે ન્યાય અપાવે. મારી જે ઈજ્જત અને મારી આબરૂનો જે વરઘોડો કાઢ્યો છે, મને પોલીસે માર માર્યો છે. મને રાજકારણમાં કોઈ રસ નથી

