crime: કીમ ચારરસ્તા નજીક જાહેરમાં ત્રણ ભાઇઓને માર માર્યો

પાલોદ ગામની સીમમાં કીમ ચોકડી નજીક જાહેરમાં ત્રણ ઇસમોએ ત્રણ ભાઇઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલોદ ખાતે રહેતો સરવણસીંગ મારવાડી ફરીયાદી સોનુ ગોદાવરીભાઈ નાહકના ભાભીને વારંવાર મીસકોલ કરી હેરાન કરતો હોવાના પગલે ફરીયાદી તેમના બે ભાઈઓ સાથે સરવણ સીંગના મોટાભાઇ રતનસિંહ બંસીલાલ રાવની કીમ ચારરસ્તા નજીક આવેલ આઇસ્ક્રીમની લારી ખાતે સમજાવવા માટે પહોંચી ગયા હતા. ત્યારે સોનુ નાહકે રતનસિંહ રાવને જણાવ્યું હતું કે તારા ભાઇ સરવણસીંગને સમજાવો મારા ભાભીને વારંવાર મીસકોલ કરી હેરાન કેમ કરે છે. જેવું જણાવતા ઉપરોક્ત બાબતે ઉશ્કેરાયેલા રતનસિંહે અપશબ્દો બોલી તેની સાથે ઉભેલો ધર્મેશ મારવાડી ફરીયાદી અને તેમના ભાઇઓ સાથે ધક્કામુક્કી કરી ઢિક્કા મુક્કીનો માર મારવા લાગેલ હતો.
જે દરમિયાન રતનસિંહનો સાળો હરીસિંહ એક લાકડાનો ફટકો લઇ ત્યાં આવી પહોંચી ત્રણેય ભાઇઓ ઉપર લાકડાનાં ફટકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ત્યાર બાદ સમગ્ર ઘટના અંગેની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે (1) રતનસિંહ બંસીલાલ રાવ, (2) ઘર્મેશ મારવાડી, (3) હરીસીંગ ડુંગરસીંગ રાવ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




