અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા ભરૂચ મામલતદારને આવેદનપત્ર ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવાયુ

ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પાકને થયેલા નુક્સાન બાબતે વળતર આપવા ભરૂચ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાન
ભરૂચ તાલુકા કોંગ્રેસના પ્રમુખ મકબુલ ઈબ્રાહીમભાઈ અભલીની આગેવાનીમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ચાલુ વર્ષે ચોમાસામાં અનરાધાર વરસેલા વરસાદને પગલે સોરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને નુક્સાન થવા પામ્યું છે.ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે તે માટે પાકનો સર્વે કરાવી ખેડૂતોને સહાય આપવા માંગ કરી હતી.
નુકસાનનું વહેલી તકે સહાય આપવામાં આવે તેવી માંગ
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,દિવાળીના તહેવારો માથા પર હોઇ નુકસાનીનું સર્વે પણ પૂર્ણ થઈ ગયું છતાં પણ ગુજરાતમાં અતિવૃષ્ટિ અને પુર સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને આજદિન સુધી સરકારની સહાયના નામે એક પણ રૂપિયાની સહાય મળી ન હોવાના આક્ષેપ કર્યા હતા.નવી ખેતી ઉભી કરવા માટે પણ ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે.ડિજિટલ ઇન્ડિયાની વાતો કરનાર સરકાર ખેડૂતોના ફોર્મ ભરાવી દીધા છતાં આજદિન સુધી ખેડૂતોને કોઇપણ જાતની સહાય આપવામાં આવી નથી એવા આક્ષેપો કર્યા હતા. ખેતીમાં થયેલા નુકસાનનું વહેલી તકે સહાય આપવામાં આવે તેવી ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માગ કરવામાં આવી છે.




