
ઓલપાડના કીમ ગામે આવેલ ઓવરબ્રિજ પરથી પસાર થતા બાઇક સવાર દંપતી પૈકી પતિના ગળામાં પતંગનો દોરો ફસાતા ગળું કપાયું હતું, તાત્કાલિક ઇજા ગ્રસ્ત યુવકને સુરત હોસ્પિટલમાં લઇ જવાતો હતો પરંતુ તેણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો.
ઉમરપાડા તાલુકાનાં શરદા ગામે રહેતા શૈલેષભાઇ સીરીયાભાઇ વસાવા પોતાની પત્નિ સુમીત્રાબેન શૈલેષભાઇ વસાવા સાથે કોઇ કામ અર્થે પોતાનાં કબ્જાની બાઇક પર સોમવારે કીમ આવ્યા હતા. મોડી સાંજે ઉમરપાડાનાં શરદા ગામે બાઇક પર પરત ફરી રહ્યા હતા. ત્યારે કીમનાં ઓવરબ્રીજ પર અંધારામાં સામે છેડેથી પતંગની દોરી બાઇક ચાલક શૈલેષભાઇનાં ગળે વિટાઇ જતા કાતીલ પતંગની દોરીથી બાઇક ચાલક શૈલેષભાઇનું ગળુ કપાઇ ગયુ હતુ.
ગણતરીની મિનીટોમાં આકસ્મિક બનેલી ઘટનાનાં પગલે લોહીલુહાણ હાલતમાં બાઇક ચાલક શૈલેષભાઈ નીચે ફસડાઇ જતા જેમને સારવાર માટે લોકોએ કીમની સાધના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ધારદાર દોરીથી બાઇક ચાલકનાં ગળે ઉંડો ઘા પડી જઇ વધુ પડતા લોહી વહી જવાથી ગંભીર અવસ્થામાં ઇજાગ્રસ્ત બાઇક ચાલક શૈલેષભાઇ વસાવાને સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો. મકરસક્રાંતીનાં દોઢ મહિના પૂર્વે પતંગની કાતીલ દોરીનાં ભોગ બનવાનું શરૂ થઇ ગયું છે.




