દક્ષિણ ગુજરાતરાજનીતિ

પાર-તાપી-નર્મદા લિંક યોજના થશે નહીં!” : ભાજપનો દાવો vs “લેખિત ખાતરી આપો!” : કોંગ્રેસની ધમકી

આદિવાસી જમીન-પાણીને લઈ તણાવ; પાટીલ-ધવલની "સ્થગિત" જાહેરાતને અનંત પટેલે ચડાવ્યો પડકાર, 14 ઓગસ્ટે ધરમપુરમાં મહારેલીની ચેતવણી

દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને લઈને રાજકીય વિવાદ ગરમાગરમ બન્યો છે. કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ૧૪મી ઓગસ્ટે ધરમપુર ખાતે મહારેલીની જાહેરાત કરવાના પગલાને ભાજપના નેતાઓએ ‘આદિવાસીઓને ગેરમાર્ગે દોરવા’નો પ્રયાસ ગણાવી જવાબ આપ્યો છે.

ભાજપનો દાવો: “પ્રોજેક્ટ સ્થગિત, ડીપીઆર રજૂ થયો નથી”

  • નવસારીના સાંસદ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલએ નવસારી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટતા કરી: “લોકસભામાં આ પ્રોજેક્ટનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) રજૂ થયો નથી.

  • પાટીલે દાવો કર્યો કે થોડા વર્ષો પહેલા જાહેર થયેલો પ્રોજેક્ટ, આદિવાસીઓની લાગણીઓને ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા બાદ સ્થગિત કરવામાં આવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું: આદિવાસીઓના હિતને નુકસાન થાય એવું અમે ક્યારેય કરવાના નથી.

  • કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો: “કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, તેથી ગુજરાતના ભોળા આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરી ભ્રમ ફેલાવી રહી છે.”

કોંગ્રેસની માંગ: “લેખિત ખાતરી અથવા શ્વેતપત્ર જાહેર કરો”

  • અનંત પટેલે પાટીલના નિવેદનોને પડકારતા કડક જવાબ આપ્યો: “આ યોજના ન થવાની હોય, તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી.”

  • પટેલે માંગ કરી: “આદિવાસી સમાજનો વિશ્વાસ જીતવો હોય તો, લેખિતમાં ખાતરી આપો કે આ પ્રોજેક્ટ ભવિષ્યમાં પણ થશે નહીં. નહિંતો લોકસભામાં શ્વેત પત્ર (White Paper) જાહેર કરો કે આ યોજના ક્યારેય થશે નહીં અને આ વિસ્તારમાં ક્યારેય ડેમ બંધાશે નહીં.”

  • બે દિવસ પહેલા નડગધરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પટેલે ૧૪મી ઓગસ્ટની મહારેલીની ચિમકી ઉચ્ચારી હતી અને લોકોને એક ઇંચ જમીન કે એક ટીપું પાણી પણ આપવાનું નથી એવો સંકલ્પ પણ લેવડાવ્યો હતો. તેમણે ભાજપના આરોપોને પડકાર્યા હતા.

ભાજપના અન્ય નેતાઓ ઉતર્યા મેદાનમાં

  • વલસાડના સાંસદ ધવલ પટેલએ ચીખલી ખાતે પત્રકારોને સંબોધતા અનંત પટેલને પડકાર ફેંક્યો: આદિવાસી જનતાને ભરમાવવાનું બંધ કરો. આ પ્રોજેક્ટ થવાનો નથી, જેને કેન્દ્ર કે રાજ્ય સરકારે મંજૂરી આપી નથી.”

  • ધવલ પટેલે આક્ષેપ કર્યો કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હારની આશંકાથી ગ્રસ્ત કોંગ્રેસી નેતાઓ આદિવાસી લોકોને ભરમાવી રહ્યા છે.

કોંગ્રેસનો આક્ષેપ: “જમીન જપ્તી અને વિસ્થાપનની તૈયારી”

  • કોંગ્રેસના પ્રવક્તા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આંદોલનને સમર્થન આપતા ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો: પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી સમાજની લાખો લોકોની જમીન સંપાદન કરીને તેમને ઘરવિહોણા કરવાની તૈયારી કરી રહી છે.

  • મેવાણીએ દાવો કર્યો કે ૨૦૨૨ની ચૂંટણી પહેલા ભાજપે આ પ્રોજેક્ટ નહીં થાય એમ કહી રાજકીય લાભ મેળવ્યો હતો, પરંતુ હવે ડીપીઆર લોકસભામાં મૂકવાની તૈયારી થઈ રહી છે, જે છેતરપિંડી છે.

આગળની રાહ: આદિવાસી સમાજનો નિર્ણય

આદિવાસી બહુલ્ય વિસ્તારોમાં આ પ્રોજેક્ટને લઈને ચાલી રહેલી ચર્ચા હવે સીધી રાજકીય ટકરાવમાં બદલાઈ છે. બંને પક્ષો – કોંગ્રેસ (અનંત પટેલ, જીગ્નેશ મેવાણી) અને ભાજપ (સી.આર. પાટીલ, ધવલ પટેલ) – આદિવાસી સમાજને પોતાની તરફેણમાં ખેંચવા માટે સક્રિય રાજકીય મુહિમ ચલાવી રહ્યા છે. અનંત પટેલની ૧૪મી ઓગસ્ટની ધરમપુર મહારેલી અને ભાજપ નેતાઓની તાજેતરની ના-નુક્તાની સ્પષ્ટતા પછી, હવે આદિવાસી સમાજ કોની વાતો પર વિશ્વાસ કરે છે અને કોની સાથે ખડો થાય છે તે જ નિર્ણાયક બનશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button