કુમકુવાથી ડોસવાડાને જોડતાં રોડ પરના રેલવે ગરનાળાની આસપાસનો રોડ તૂટી ગયો અને તેની ચોતરફ ગંદકી જોવા મળતા વાહન ચાલકો પરેશાન

સોનગઢ તાલુકાના કુમકુવા ગામથી ડોસવાડાને અને આગળ વ્યારા ને જોડતાં માર્ગ પર આવેલ રેલવે ગરનાળું બિસમાર સ્થિતિમાં હોય અહીંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોનગઢ તાલુકાના હાઇવેથી કુમકુવા થઈ વાયા ડોસવાડાથી એક રસ્તો બંધારપાડા તરફ જાય છે જ્યારે બીજો રસ્તો ચોરવાડ થઈ વ્યારા સુધી પહોંચે છે. રસ્તો ડોસવાડા સહિતના લગભગ 20 જેટલાં ગામડાંના લોકો માટે શૉર્ટ કટ અને ઉપયોગી રસ્તો છે. આ રસ્તો ડોસવાડા જીઆઇડીસી પાસે રેલવે ગરનાળામાંથી પસાર થાય છે.
આ ગરનાળું ગત બે વર્ષ પહેલાં પહોળું કરવામાં આવ્યું હતું. તે સમયે વરસાદી પાણીના નિકાલ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી ચોમાસાના ત્રણ માસ દરમિયાન ગરનાળામાં એક દોઢ ફૂટ પાણી ભરાયેલા રહે છે. આ કારણે નાળાની આસપાસનો રસ્તો પણ તૂટી જવા પામ્યો છે. હાલમાં આ નાળાની બંને તરફના રસ્તા પર ઊંડા ઊંડા ખાડા પડી ગયા હોય વાહન ચાલકો એ અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે અને ગંદકી પણ જોવા મળી રહી છે.
આ બાબતે સ્થાનિકોએ રેલવે વિભાગ અને માર્ગ મકાન તંત્ર ને રજૂઆત કરી ગરનાળા ની આસપાસ નો રસ્તો રિપેર કરી આપવા વિનંતી કરી હતી પણ હજી સુધી પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. ફરી એક વાર રજૂઆત કરવામાં આવી છે ત્યારે વરસાદથી ધોવાઈ ગયેલો રસ્તો ફરી બનાવે એ જરૂરી છે.
વાહન ચાલકોએ હાઇવેનો લાંબો ચકરાવો સોનગઢના કુમકુવાથી ડોસવાડા ગામ સુધીના આ શૉર્ટ કટ રસ્તા પર બિસમાર ગરનાળું આવેલ છે અને સાથો સાથ બંને તરફનો રસ્તો પણ પાણીના ભરાવાને કારણે તૂટી ગયો છે. આ કારણે હાલ વાહન ચાલકો સોનગઢ તાલુકા મથકથી ડોસવાડા અને બંધારપાડા વ્યારા તરફ જવા માટે નેશનલ હાઇવે નો લાંબો ચકરાવો ખાઈ ગન્તવ્ય સ્થાને પહોંચી રહ્યાં છે જેથી લોકોના સમયની સાથોસાથ આર્થિક નુકશાન થઈ રહ્યું છે. સુનિલભાઈ ગામીત, યુવક મંડળ, બંધારપાડા, સોનગઢ


