‘ભરતી અનુભવી ઉમેદવારોની હતી’, અંકલેશ્વરના વીડિયોને ભાજપે ગણાવ્યું કોંગ્રેસનું ષડયંત્ર, રોજગાર કચેરીએ કર્યા ખુલાસા
ભાજપે આ વીડિયોને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યો છે. ભાજપે કહ્યું કે આવા વીડિયો દ્વારા ભ્રામકતા ફેલાવી ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

ભરૂચમાં નોકરી મેળવવા માટે આવેલા ઉમેદવારોની ભીડ અને ધક્કામુક્કીને કારણે રેલિંગ તુટવાનો વીડિયો વાયરલ થયા બાદ જ્યારે રાજ્યમાં બેરોજગારીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે, ભાજપે આ વીડિયોને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યો છે. ભાજપે કહ્યું કે આવા વીડિયો દ્વારા ભ્રામકતા ફેલાવી ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
વાઇરલ વિડિયો બાબતે શું કહ્યું ભાજપે ?
અંકલેશ્વરના વાઈરલ વિડિયો બાબતે ભાજપે સ્પષ્ટતા કરી છે, ભાજપે કહ્યું છે કે ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ભાજપે કહ્યું છે કે ભરતી અનુભવી ઉમેદવારોની હતી એટલે તમામ લોકો ક્યાંયને ક્યાંય કામ કરતા હશે. ભાજપે આ તમામ યુવાનો બેરોજગાર નહિં હોવાનો દાવો કર્યો છે..વિડિયો કોંગ્રેસે વાઇરલ કર્યો હોવાનો ભાજપે દાવો કર્યો છે. ગુજરાતની કોઈ પણ વાત ને નકારાત્મક બનાવવી એ કોંગ્રેસ પાસેથી જ શીખી શકાય તેવું ભાજપે જણાવ્યું છે.
રોજગાર કચેરીએ આ ઇન્ટરવ્યૂ બાબતે શું કહ્યું ?
બીજી તરફ અંકલેશ્વરમાં રીક્રુટમેન્ટ ડ્રાઈવના વાયરલ વીડિયો મામલે ભરૂચ રોજગાર કચેરીએ ખુલાસો કર્યો છે. ભરતી અંગે કંપનીએ રોજગાર વિભાગને જાણ કરી નહોંતી તેવું રોજગાર કચેરીએ જણાવ્યું છે. કંપનીએ નાની જગ્યા પર રીક્રૂટમેન્ટ ડ્રાઈવના ઈન્ટરવ્યુ ગોઠવ્યા હતા તેવું પણ જણાવાયું છે. કંપનીએ કેટલી જગ્યાઓ ખાલી છે તેની જાણકારી આપી નહોતી તેવો ખુલાસો પણ રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યો છે.




