વઘઈનાં જામનપાડા ગામે જમીન પચાવવા બોગસ ડોક્યુમેન્ટ બનાવાયા

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં જામનપાડા ગામે રહેતા એક યુવકે પોતાના જ ગામના એક આધેડની જમીન મિલકત પચાવી પાડવાના બદઇરાદાથી આધેડનો પુત્ર હોય તેવા દસ્તાવેજી બોગસ પુરાવા બનાવી દીધા હતા. યુવકે આધાર કાર્ડ, મતદાન કાર્ડ બદલાવી લેતા સમગ્ર મામલો વઘઈ પોલીસ મથકે પહોંચ્યો હતો.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના જામનપાડા ગામે રહેતો અજીત સોનેભાઈ કોંકણીએ પોતાના જ ગામમાં રહેતા અનાભાઈ ચોર્યાની માલિકીની ખેતીની જમીનમાં અન્યની મદદગારીથી અનાભાઈની જમીન તથા અન્ય મિલકતો પચાવી પાડવા માટે અજીત કોંકણીએ અના ચોર્યાનો સગો દીકરો (વારસદાર) તરીકે ઉભો કરી ખોટી વિગતો દર્શાવી સોગંદનામુ તૈયાર કરી દીધુ હતું. અજીત કોંકણીએ પોતાને અજીત અનાભાઈ ચોર્યા તરીકે દર્શાવી ખોટું સોગંદનામુ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તેમજ પોતાના શાળા છોડ્યાના પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજોમાં અજીત સોનેભાઈ કોકણીના નામ પરથી અજીત અનાભાઇ ચોર્યા કરી દઈ બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા. આ અંગેની જાણ અનાભાઇ ચોર્યાને થતા તેમણે તાત્કાલિક વઘઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વઘઈ પોલીસે આ અંગે ગુનો નોંધી પીએસઆઇ એમ.એસ. રાજપૂતે આગળની તપાસ હાથ ધરી છે.




