ડેડિયાપાડાના માલસામોટ ખાતે 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્તમાં માઇક નહિ મળતાં ચૈતર વસાવાએ અધિકારીઓનો ઊધડો લીધો

ડેડિયાપાડાના માલસામોટ ખાતે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં અને સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંગ તડવી, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં જાહેર મંચ ઉપર ચૈતર વસાવાને માઇક નહિ આપતાં ચૈતર વસાવાએ મંત્રીની હાજરીમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે કાંઈ ફોટા પડાવવા કે નાસ્તો કરવા નથી આવ્યા, લોકોના પ્રશ્નોને વાચા આપવા આવ્યા છીએ.
ચૈતર વસાવાએ અધિકારીઓનો ઉધડો લીધો
જાહેર ક્રાયક્રમમાં પ્રોટોકોલ ન જળવાતાં ચૈતર વસાવાએ કહ્યું કે, અમે કાઈ ફોટા પડાવવા નથી આવ્યા કે નાસ્તો કરવા નથી આવ્યા. લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા છીએ. ફોરેસ્ટવાળા પોતપોતાની ઘરની એજન્સીઓ રાખીને દર વર્ષે 8થી 10 કરોડ રૂપિયા ઉતારે છે. વનવિભાગના અધિકારીઓને તતડાવતાં કહ્યું કે, પ્રોટોકોલ સાચવજો. તમારા મગજમાં કોઈ ધુમાડો હોઈ તો કાઢી નાખજો. હવેથી પ્રોટોકોલ જાળવજો બીજીવાર આવી ભુલ ના કરતા બાકી તમે જાણો જ છો.
ચૈતર વસાવાએ વનમંત્રીની હાજરીમાં જ વન વિભાગની પોલ ખોલી
ચૈતર વસાવાએ વનમંત્રીની હાજરીમાં જ વન વિભાગની પોલ ખોલી હતી. વન વિભાગ પર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે,, 49 લાખના કૌશલ્ય વર્ધક કેન્દ્રના લોકાર્પણ-ઉદ્ઘાટનમાં નર્મદા વન વિભાગે 6 કરોડ ખર્ચ બતાવી વાઉચરથી ટ્રાઈબલના નાણા વાપર્યા, આ કઈ રીતની સિસ્ટમ છે. ફોરેસ્ટ વિભાગ જંગલ સાચવવાના બદલે દર વર્ષે પોતપોતાની એજન્સી રાખીને કરોડો રૂપિયા ઉતારે છે. વનમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ગયા વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ આ જ જગ્યા થયો હતો. તે રોપા કયા ગયા? સરીબાર જેવા ગામોમાં રોડ રસ્તાની વ્યવસ્થા નથી. ફોરેસ્ટવાળા પોતાની ઘરની એજન્સીઓને કામે લગાડીને આઠ દસ કરોડ રૂપિયા ઉતારે છે.
‘કેવડિયામાં વિકાસના સપના દેખાડ્યા પરંતુ ત્યાં શું થયું?’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિકાસના નામે અમારા જળ, જંગલ, જમીન અને સંસ્કૃતિ ઉપર અતિક્રમણ કરવાની કોશિશ કરી તો અમે લડીશું. વિકાસ કરો, રોજગારી આપો પણ અમારી જમીન પર નજર ના નાખો. સાપુતારા હિલ સ્ટેશન પર્યટન અને રોજગાર વિકાસના નામે જમીનો લઇ સત્તામંડળ બનાવી મૂળ ગામના અમારા આદિવાસી લોકોને નીચે નવાગામમાં ખસેડી દીધા. આજે ત્યાં લારી ગલ્લા પણ મુકવા દેવામાં આવતા નથી. કેવડિયામાં વિકાસના સપના દેખાડ્યા પરંતુ ત્યાં શું થયું?, આજે અમારી માતા બહેનો ત્યાં રડી રહી છે.
‘વિકાસના પ્રોજેક્ટ લાવો તેનો વિરોધ નથી પણ અમારી મંજૂરી લઈને’
માલસામોટ હિલ સ્ટેશન પર કોર્પોરેટ જગતની નજર છે, જ્યાં આદિવાસીઓ ખેતી કરે છે. એ 303 એકર જમીન હાઉસિંગ સોસાયટીને ફાળવવામાં આવેલી તેની એક ઇંચ જમીન પણ અમે આપીશું નહીં. પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પહેલાં ગ્રામસભા અને વનઅધિકાર સમિતિની સહમતિ લેવી જોઈએ. આદિવાસીઓના ભોગે વિકાસ થશે તો અમે સહમત નથી. પર્યટન સ્થળોનો વિકાસ સ્થાનિક લોકોની ભાગીદારી અને રોજગારીથી થશે તો જ અમે સહમતિ આપીશું. જો અમારી જમીન પર અતિક્રમણ થશે અને અમારા ખેડૂતની જમીન છીનવાશે તો અમે સહન કરીશું નહીં. વિકાસના પ્રોજેક્ટ લાવો તેનો કોઈ વિરોધ નથી પણ અમારી મંજૂરી લઈને કામ કરો.



