વઘઈ રેંજ વિસ્તારનાં આંબાપાડા લાકડા ડેપો પાસે રૂ. 17 લાખનાં ખર્ચે ચેકડેમ માત્ર 6 દિવસમાં પૂર્ણ કરતાં લોકોમાં કુતૂહલ
હલકી કક્ષાના મટીરીયલથી ચેકડેમ પુરો કરાયો હોવાની લોકોની રાવ

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ દ્વારા વઘઈ રેંજ વિસ્તારનાં આંબાપાડા લાકડા ડેપોમાં રૂ. 17 લાખનાં ખર્ચે ચેકડેમનું કામ ચાલી રહ્યું છે, જે ચેકડેમનું કામ ધીરેન્દ્ર નામના કોન્ટ્રાકટર તથા તેમનાં ભાગીદારો કરી રહ્યાં છે. જેમાં ચેકડેમમાં નિમ્ન કક્ષાનાં સળિયા, નદીનું ભાઠું, સિમેન્ટ વાપરી રહ્યાં છે. જેની જાગૃત નાગરિકોએ દક્ષિણ વન વિભાગનાં નાયબ વન સંરક્ષક રવિપ્રસાદ તથા વઘઇનાં આરએફઓને જાણ કરી હતી. જેથી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી, જે બાદ કોન્ટ્રાકટરે તાત્કાલિક માત્ર પાંચથી 6 દિવસમાં બુલેટ ટ્રેનની ગતિ કામગીરી પૂર્ણ કરી દીધી છે જે હલકી ગુણવત્તાવાળી સિમેન્ટ-રેતી વાપરી સરકારને લાખોનો ચુનો ચોપડી દીધો છે.
વધુ માહિતી મેળવવા ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં નાયબ વન સંરક્ષક રવિપ્રસાદને વારંવાર ટેલિફોન લગાવવા છતાં તેઓએ ફોન રિસિવ કર્યો ન હતો. ગુરૂવારે ડીએફઓને મળવા ઓફિસમાં નથી. જયારે સબડીએફઓ મીના અને આરતીબેન ભાંભોર ઓફિસમાં મળ્યા ન હતા.
હું જઇને તપાસ કરું છું વન વિભાગનો કર્મચારી ચેકડેમની કામગીરીની દેખરેખ રાખી રહ્યો છે. હું જાતે જઈને તપાસ કરૂ છું. – દિલીપ રબારી, આરએફઓ, વઘઇ




