માંડવીના બૌધાન પાસે તાપી નદીમાં વારંવાર કેમિકલયુક્ત પાણી ઠલવાતા નદીને દુષિત થતી અટકાવવાની લોક માંગ ઉઠી

માંડવીના બૌધાન ગામે છેલ્લા કેટલાક દિવસથી તાપી નદીમાં ઠલવાતા પ્રદૂષિત પાણીના કારણે જન આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થયા છે. સાથે તાપી નદી પ્રદૂષિત બનતા માછલીઓ પણ મરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
માંડવીના બૌધાન ગામે તાપી નદીમાં કેમિકલ યુક્ત પાણી જતું હોવાની બુમરાણ મચેલ છે. આ કેમિકલ યુક્ત પાણી જાબડીથી થઈ બીજી કબ્રસ્તાનની જાબડી ખાડી થઈ બૌધાન વાવ્યા પુલ થઈ આ કેમિકલયુક્ત પ્રદૂષણવાળું પાણી તાપી નદીમાં ભળી રહ્યું છે. કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી ક્યાંથી આવી રહ્યું છે જે અંગે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ હાલમાં બોધાન ખાતેનું તાપી નદીનું પાણી જાણે બિન ઉપયોગી બની ગયું છે. તાપી નદીમાં ભળતા પ્રદૂષિત પાણીના વિસ્તારમાં થોડા દિવસ પહેલા મૃત માછલીઓ મળી આવી હતી જેથી જવાબદાર તંત્ર દ્વારા તાપી નદીમાં ઠલવાતા પ્રદૂષિત પાણી અંગે તપાસ કરી તાત્કાલિક પ્રદુષિત પાણી બંધ કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે.




