તાપી

સોનગઢના સાંઢકુવા ગામની પ્રાથમિક શાળામાં 24થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ

24થી વધુ બાળકે રતનજ્યોતના બીજ ખાતાં એકાએક ઉલટીઓ થવા લાગી

સોનગઢના સાંઢકુવા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા 24થી વધુ બાળકે રતનજ્યોતના બીજ ખાતાં એકાએક ઉલટીઓ થવા લાગી હતી, જેથી શાળા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બાળકોની સ્થિતિ હાલ સ્થિર છે અને તેમને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. સાથે જ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરી શકાય.

પ્રાથમિક તપાસમાં બાળકોએ રતનજ્યોત નામનું ફળ ખાઈ લેતાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બાળકોને તુરંત સારવાર આપવામાં આવતાં હાલ બધા જ બાળકોની પરિસ્થિતિ સુધારા પર હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે. આચાર્યના જણાવ્યા પ્રમાણે, પહેલાં વિદ્યાર્થીઓને સોનગઢ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ, ત્યાં બાળકોના ડોકટર હાજર ન હોવાથી બાળકેને તાત્કાલિક ધોરણે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બાળકોની હાલત સ્થિર છે.

શું કહ્યું શાળાના આચાર્યએ?

શાળાના આચાર્ય અશ્વિનભાઇ ગામિત સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે બાળકોને અભ્યાસ કરાવી રહ્યા હતા ત્યારે, લગભગ 12:30 વાગ્યાની આસપાસ એક-બે બાળકને ઊલટીઓ થઇ હતી. તો અમે બાળકોને આ અંગે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, આજે અમે ઘરે જમીને આવ્યા છીએ. જેથી અમે તેમને દવા આપી અને પછી તેમના વાલીઓને બોલાવ્યા અને બાળકોને ઘરે મોકલી દીધા હતા.

‘બાળકો ગભરાતાં ગભરાતાં કહ્યું, અમે રતનજ્યોતના બીજ ખાધા છે’

આચાર્યએ વધુમાં જણાવ્યું કે, દોઢ વાગે જમવાની રીસેસ પડી ત્યારે, ફરી પાછા એક-બે બાળકને ઊલટીઓ થવા વાગી હતી. જેથી અમે બાળકોને ફરી પૂછ્યું કે, આવું કેમ થાય છે. ત્યારે બાળકોએ ગભરાતાં ગભરાતાં જણાવ્યું કે, અમે રતનજ્યોતના બીજ ખાધા છે. તો બીજા બાળકે કહ્યું કે, અમે ઘરેથી સવારે નવ વાગે શાળાએ આવ્યા ત્યારે રતનજ્યોતના બીજ લઇને આવ્યા હતા અને તે અમે બધાએ ખાધા હતા. એના કારણે જ આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

બીજા બાળકો ગભરાઇ જતાં કાંઇ બોલી શકતા ન હતા

આચાર્યએ વધુમાં કહ્યું કે, બીજા બાળકો ગભરાઇ ગયા હતા અને કાંઇ બોલી શકતા ન હતા, જેથી અમે બધા જ બાળકોને સાથે જ હોસ્પિટલ લાવ્યા હતા. બધાએ બીજ ખાધા છે કે નહિ અમને ચોક્કસ ખબર નથી. શાળામાંથી બાળકોને કાંઇ જ જમવાનું આપવામાં આવ્યું નથી. છોકરાઓએ અમને બીજ પણ બતાવ્યા છે. તે જોતાં જ અમને ખબર પડી કે, આ રતનજ્યોતના બીજ ખાવાથી આવું થયું છે. અંદાજે 10-12 બાળકને ઊલટીઓ થઇ છે. ઊલટી પણ એટલે થઇ કે, પહેલાં 2-3 બાળકને જ વધારે ઊલટીઓ થઇ અને તેમને જોઇને અન્ય બાળકો ગભરાઇ જતાં તેમને પણ ઊલટીઓ થઇ હતી.

Related Articles

Back to top button