સુરતમાં નવરાત્રિ પહેલા લેજેન્ડ લીગ ક્રિકેટની 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આયોજન

સુરત લાલભાઈ ક્રેકિટ સ્ટેડિયમ ખાતે ફરી એકવાર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ સિઝન-3 યોજાશે. ગયા વર્ષે પણ સ્ટાર ક્રિકેટરોને જોવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળવા પહોંચ્યા હતા. ગત વખતે જે પ્રકારે પ્રતિસાદ મળ્યો હતો તે જોતા સુરત ક્રિકેટ એસોસિએશને આ વખતે વધુ પ્રેક્ષકો બેસી શકે તેવી તૈયારીઓ કરી છે. અંદાજે 12,000 લોકો ક્રિકેટ મેચ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
લેજેન્ડ લીગ ક્રિકેટ સિઝન-3માં 6 ટીમ ભાગ લેશે
લેજેન્ડ લીગ ક્રિકેટ સિઝન-3માં છ ટીમ એકબીજાની સામે રમશે. ગુજરાત ગ્રેટ, ઇન્ડિયન કેપિટલ્સ, કોર્ણાક સૂર્યા ઓડિસા, મનિપાલ ટાઈગર, અલ્ટિમેટ હૈદરાબાદ અને સાવધાન સુપર સ્ટાર વચ્ચે કાંટેની ટક્કર થશે. ગત વખતે પણ ટુર્નામેન્ટ દરમિયાન સુરતમાં જેટલી પણ મેચ યોજાઈ હતી તે ખૂબ જ રસાકસી ભરેલી હતી. હરભજન અને રેનાની ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જે સુરતમાં રમાઈ હતી. આ વખતે ફાઇનલ મેચ શ્રીનગરના કાશ્મીરમાં રમનાર છે.
સ્ટાર ક્રિકેટર્સ મેદાનમાં રમતા દેખાશે
દેશમાં ક્રિકેટનો ક્રેઝ આપણે સૌ કોઈ જાણીએ છીએ, તેમાં પણ ખાસ કરીને સુરતીઓ જ્યારે પણ ક્રિકેટ ટુર્નામેન્ટની વાત હોય ત્યારે અતિ ઉત્સાહમાં આવી જતા હોય છે. જ્યારે પણ વર્લ્ડ કપ કે ચેમ્પિયનશીપ ટ્રોફી જેવી ટુર્નામેન્ટ હોય છે, ત્યારે ભારતની જીત થતાની સાથે જ હજારોની સંખ્યામાં લોકો ઉજવણી કરવા માટે રસ્તા ઉપર ઉમટી પડતા હોય છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેટલાક સ્ટાર હરભજન સિંહ, સુરેશ રૈના, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ જેવા ખેલાડીઓનો ચાહક વર્ગ પણ ખૂબ જ મોટો છે. સુરતીઓ પણ આ તમામ ખેલાડીઓ અને ક્રિકેટને ખૂબ જ ચાહે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ આ લીગ શરૂ થાય ત્યારે મોટી સંખ્યામાં ખેલાડીઓને જોવા માટે સુરતીઓ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નજરે પડશે.
નવરાત્રિ હોવા છતાં પણ ક્રિકેટ પ્રેમીઓ દેખાશે
સુરત ક્રિકેટ એસોસિએશનના માનદ મંત્રી ડો. નિમેશ દેસાઈએ જણાવ્યું કે લેજેન્ડ લીગ ક્રિકેટ સિઝન આ વખતે 3 જગ્યા ઉપર રમાવાની છે. હાલ જોધપુર ખાતે મેચ ચાલી રહી છે, ત્યારબાદ સુરતમાં એક સપ્તાહ માટે 27 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી રમાશે. ત્યારબાદ જમ્મુ અને ફાઈનલ શ્રીનગર ખાતે રમાશે. મેચ જોવા આવનારા લોકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. હાલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 12,000 લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા છે. ટિકિટનો દર 500 રૂપિયા રાખવામાં આવ્યો છે. હાલમાં જ ઇન્ટરનેશનલ અને આઈપીએલમાં રમતા હોય તેવા ખેલાડીઓ પણ અહીં રમતા જોવા મળશે. સુરતનો ખેલાડી ચિરાગ ગાંધી પણ અહીં રમતો દેખાશે.
ટિકિટ ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે મળશે. ગત વર્ષે ખૂબ મોટી સંખ્યામાં સુરતીઓ મેચ જોવા માટે આવ્યા હતા. આ વખતે નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે, તેથી ક્રિકેટ જોવા માટે કેટલા લોકો આવશે તેના ઉપર સૌ કોઈની નજર છે. અમારા તરફથી તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.




