આહવા ખાતે રાજ્યકક્ષાનો “જનજાતિય ગૌરવ દિવસ” ઉજવાયો

ડાંગ જિલ્લાનો કાર્યક્રમ બન્યો ‘વિકાસ પર્વ’, મુખ્મંત્રીના હસ્તે કુલ રૂ.102.87 કરોડના 37 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. 568 જેટલા લાભાર્થીઓને કુલ રૂ.234 લાખના યોજનાકીય લાભો પણ એનાયત કરાયા. સાથે આહવા ખાતે રાજ્યકક્ષાનો “જનજાતિય ગૌરવ દિવસ” ઉજવાયો હતો. બહુલ આદિજાતિની વસ્તી ધરાવતા ડાંગના આંગણે આયોજિત આ ઉજવણી કાર્યક્રમમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ વર્ષે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થવાની છે તેની ભૂમિકા તેમણે આપી હતી.
ભગવાન બિરસા મુંડાએ કરેલા સમાજસેવાના અપ્રતિમ કાર્યોને બિરદાવીને મુખ્યમંત્રી પટેલે 23 વર્ષ પહેલા ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોની પરિસ્થિતિથી સૌને વાકેફ કર્યા હતા.આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર આદિવાસી સમુદાયો સ્વતંત્રતા પછી દાયકાઓ સુધી વિકાસથી વંચિત રહ્યા હતા. આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત અગ્રેસર છે, તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી ગુજરાતની ધુરા સંભાળ્યા બાદ આદિજાતિ વિસ્તાર અને સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે કરેલા કાર્યો ને પરિણામે આદિવાસીઓમાં આવેલા સામાજિક શૈક્ષણિક અને આર્થિક પરિવર્તન વિશે વિસ્તૃત વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના આદિજાતિ પરિવારોને વિકાસના પંથે લઈ જવા અને તેમના ગૌરવ-સન્માન માટે આપણે અગ્રેસર રહ્યા છીએ.નીતિ નેક હોય અને નિયત સાફ હોય તેમજ વિકાસની મુખ્યધારામાં સૌને સાથે લઈને ચાલવાની પ્રતિબદ્ધતા હોય તો વનબંધુઓનો કેવો વિકાસ થાય છે,તે દેશ અને દુનિયાને બતાવ્યું છે. આદિજાતિના સર્વગ્રાહી વિકાસના કાર્યોથી વનબંધુને વિશ્વબંધુ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે. નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે અને આહવા થી આસામ અને ઝાલોદથી ઝારખંડ સુધી આદિજાતિ સમુદાય સહિત સૌ જ્ઞાતિ-સમુદાયના લોકોને વિકાસની મુખ્ય પ્રવાહમાં આવવાની તક મળી છે. જનજાતિય સશક્તિકરણ થકી વિકસિત ભારતનો લક્ષ્ય સાકાર થશે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે સૌને કટિબદ્ધ થવા માટે મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત અગ્રેસર છે, તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. નીતિ સાફ અને નિયત નેક હોય તો વનબંધુઓનો કેવો વિકાસ થાય તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. વનબંધુ કલ્યાણ યોજનાથી આદિજાતિ વિસ્તારો અને આદિજાતિ સમુદાયનો સર્વાંગીણ વિકાસ થયો છે. ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી છે, આદિજાતિ વિસ્તારના વિકાસના કાર્યો નાણાંના અભાવે ક્યારેય અટકશે નહીં.
આ કાર્યક્રમના આરંભે રાજ્યના આદિજાતિ વિકાસ કમિશ્નર સુપ્રીત સિંહ ગુલાટીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે ડાંગ ક્લેક્ટર મહેશ પટેલે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ડો.કુંબેર ડીંડોર સહિત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજય પટેલ એને વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ સહિત ડાંગ રાજવીઓ, ધાર્મિક અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ, આદિજાતિ સમાજના અગ્રણીઓ, આદિજાતિ વિભાગના અધિક મુખ્ય સચિવ જે પી ગુપ્તા, કેન્દ્ર સરકારના નોડલ ઓફિસર પ્રદીપ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા વિશાળ સંખ્યામાં આદિજાતિ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.




