માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે આજે ‘કેચ ધ રેઈન’ કાર્યક્રમની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021 થી ‘કેચ ધ રેઈન’ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વરસાદના પાણીના એક એક ટીપાનું સંચય અને સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાનો છે. જેના ભાગરૂપે આવતીકાલ તા. 4/9/2024ના રોજ કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર. પાટીલના હસ્તે માંડવી તાલુકાના તડકેશ્વર ખાતેથી સવારે 11 વાગે જળ સંચય જન ભાગીદારી અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ મહાભિયાન અંતર્ગત સુરત જિલ્લાના તમામ 9 તાલુકાના 587 ગામોમાં એકસાથે 20311 કામોનું ખાતમુહુર્ત કેન્દ્રીયમંત્રી તથા આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજી હળપતિના હસ્તે થશે.
સાથે તમામ ગ્રામ પંચાયતોમાં આ જ દિને જુદાં-જુદાં પદાધિકારીશ્રીઓ દ્વારા ગ્રામ્ય કક્ષાએ ખાતમુહુર્ત કરવામાં આવશે. પાણીના એક-એક ટીપાનો સંચય અને સંગ્રહ કરવા માટે સૌને અભિયાનમાં જોડવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત જન ભાગીદારી થકી વધુમાં વધુ બોર રીચાર્જ, કૂવા રીચાર્જ અને અન્ય રીચાર્જ સ્ટ્રકચર દ્વારા વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં આવશે. સુમુલ તથા અન્ય સી.એસ.આર. અંતર્ગત પણ મોટી સંખ્યામાં જળસંચયના કામો કરાશે.
જળ સંચય અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પલસાણા, ઓલપાડ, કામરેજ અને ચોર્યાસી તાલુકામાં 400 કામો રૂ.199.60 લાખના જિલ્લા પંચાયત સ્વ-ભંડોળ તથા 151 કામો રૂ. 75.35 લાખના 15માં નાણાપંચમાં આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાના અન્ય બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના હેઠળ રૂા. 608 લાખના ખર્ચે 1235 કામો, 202 કામો અંકે રૂ. 131.48 લાખના મનરેગા અને DMF ગ્રાન્ટ કન્વર્જન્સ, રૂ. 27.99 લાખના 43 કામો મનરેગા અને કલેકટર ગ્રાન્ટ કન્વર્જન્સથી આયોજન કરવામાં આવ્યું છે.



